गुजरात

અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરું: 17 બૅન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા થતાં ખળભળાટ | Fake Currency Racket Busted: SOG Seizes 1 627 Counterfeit Notes from 17 Ahmedabad Banks



Fake Currency Racket Busted: અમદાવાદમાં ભારતીય ચલણને નબળું પાડવાનું એક ગંભીર કાવતરું સામે આવ્યું છે. શહેરની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) સહિતની 17 જેટલી સરકારી અને ખાનગી બૅન્કોમાં મોટા પ્રમાણમાં નકલી નોટો જમા થઈ હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. આ મામલે અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) ક્રાઇમ બ્રાંચે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બૅન્કો દ્વારા શંકાસ્પદ નોટો જપ્ત કરાઈ

SOG ક્રાઇમ બ્રાંચને મળેલી માહિતીના આધારે વિવિધ બૅંકોમાં જમા થયેલી શંકાસ્પદ નોટોના સીલબંધ કવરો મેળવવામાં આવ્યા હતા. પંચોની હાજરીમાં આ કવરો ખોલતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. બૅન્ક વ્યવહાર દરમિયાન સિસ્ટમમાં ઘુસાડી દેવાયેલી આ નોટો અસલ જેવી જ દેખાતી હતી.

આ પણ વાંચો: ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનો ઉલાળિયો, સાંસદ-ધારાસભ્યોને પ્રદેશ માળખામાં સ્થાન

જપ્ત કરાયેલ નકલી નોટોના આંકડા

તપાસ દરમિયાન કુલ 1627 નકલી નોટો મળી આવી છે, જેની બજાર કિંમત આશરે 5,33,850 રૂપિયા જેટલી થાય છે.  જેમાં 500ની 794 નોટ, 200ની 377 નોટ, 100ની 268 નોટ, 50ની 172 નોટ, 2000ની 13 નોટ, 20ની 02 અને 10ની 1 નોટ સામેલ છે.

‘ચિલ્ડ્રન બૅન્ક’ લખેલી નોટો પણ મળી

તપાસમાં એક આશ્ચર્યજનક વિગત સામે આવી છે કે કેટલીક નોટો પર સ્પષ્ટપણે ‘ચિલ્ડ્રન બૅંક’ લખેલું હતું, તેમ છતાં તે બૅંકિંગ સિસ્ટમ સુધી પહોંચી ગઈ હતી. કેટલીક નોટો હાઇ-ક્વોલિટી કલર ઝેરોક્ષ જેવી જણાતી હતી. ફાટી ગયેલી કે ખરાબ થયેલી નોટો પર ગુંદર પટ્ટી કે સેલો ટેપ લગાવીને તેને ચલણમાં ઘુસાડવાનો પ્રયાસ કરાયો હતો.

SOGની ‘ઈ-સાક્ષ્ય’ દ્વારા ડિજિટલ તપાસ

પોલીસે આ વખતે પુરાવા એકત્ર કરવા માટે આધુનિક ટૅક્નોલૉજીનો સહારો લીધો છે. ‘ઈ-સાક્ષ્ય’ ઍપ્લિકેશન મારફતે તમામ નકલી નોટોની ઓનલાઇન વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી છે જેથી કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય.

હવે સવાલ એ ઊભો થયો છે કે આટલી મોટી સંખ્યામાં નકલી નોટો બૅન્કોના કાઉન્ટર સુધી પહોંચી કેવી રીતે? શું આમાં કોઈ મોટી ગેંગ સક્રિય છે કે પછી બૅંકના સ્ટાફની કોઈ ક્ષતિ છે? SOG હવે સીસીટીવી ફૂટેજ અને ડિપોઝિટ સ્લિપના આધારે આ નોટો જમા કરાવનાર શખસો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યાં છે.



Source link

Related Articles

Back to top button