જામનગરમાં બાંગ્લાદેશના ઝંડાને જાહેરમાં કચડી હિન્દુ સેનાએ આક્રોશ વ્યક્ત કર્યો | Jamnagar Sees Hindu Sena Protest Against Bangladesh Over Violence on Minorities

Jamnagar News: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ પર થઈ રહેલા હુમલા, અત્યાચાર અને હત્યાઓની ઘટનાઓને પગલે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. આ આક્રોશનો સૂર જામનગર શહેરમાં પણ જોવા મળ્યો હતો, જ્યાં હિન્દુ સેના દ્વારા એક અનોખા અને ઉગ્ર પ્રદર્શન દ્વારા બાંગ્લાદેશ સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

જાહેરમાં ઝંડો ચીતરી વ્યક્ત કર્યો રોષ
જામનગરના વિક્ટોરિયા પુલ અને સુભાષ બ્રિજ ચાર રસ્તા પાસે હિન્દુ સેના શહેર યુવા પાંખના પ્રમુખ સાગર ચૌહાણની આગેવાનીમાં કાર્યકરો એકઠા થયા હતા. દેખાવકારોએ જાહેર માર્ગ પર બાંગ્લાદેશના ઝંડાનું ચિત્ર બનાવ્યું હતું. હિન્દુ સેનાના સૈનિકોએ આ ઝંડા પર ચાલીને અને તેને પગતળે કચડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. બાંગ્લાદેશ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું.

ભારત સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ
આ પ્રદર્શન દરમિયાન હિન્દુ સેનાએ ભારત સરકારને ઉદ્દેશીને એક સ્પષ્ટ સંદેશ પાઠવ્યો હતો. તેમની માંગ છે કે, ભારત સરકાર બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સ્થિતિની ગંભીરતા સમજે. ત્યાંના હિન્દુઓને ન્યાય મળે તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવવામાં આવે. જે શક્તિઓ હિન્દુઓ પર અત્યાચાર કરી રહી છે તેમને ભારત સરકાર જડબાતોડ જવાબ આપી ‘કચડી’ નાખે.
આ પણ વાંચો: ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનો ઉલાળિયો, સાંસદ-ધારાસભ્યોને પ્રદેશ માળખામાં સ્થાન
યુવા પ્રમુખ સાગર ચૌહાણે જણાવ્યું હતું કે, ‘બાંગ્લાદેશમાં હિન્દુઓની નિર્મમ હત્યાઓ થઈ રહી છે તે હિન્દુ સમાજ ક્યારેય સાંખી લેશે નહીં. જો ત્યાં અત્યાચાર બંધ નહીં થાય તો આગામી સમયમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.’ આ પ્રદર્શનને પગલે થોડા સમય માટે ટ્રાફિક અને લોકટોળા જામ્યા હતા. સ્થાનિક પોલીસે સ્થિતિ પર નજર રાખીને શાંતિ જળવાય તેવા પ્રયાસો કર્યાં હતા.



