રાજકોટના યુવાન પાસેથી 8 લાખના દાગીનાની ઠગાઇ કરનારા બે ઝડપાયા | Two arrested for cheating a young man of Rs 8 lakh in jewellery

![]()
દ્વારકા પાસે પ્રભુ પ્રકોપનો ભય બતાવી
સાધુનો વેશ ધારણ કરનારા ચીટર મદારી ગેંગના સભ્યો હોવાનું ખુલ્યું : ૯.૩૨ લાખનો મુદ્દામાલ કબજે
જામ ખંભાળિયા: દ્વારકાના અંતરિયાળ વિસ્તારમાં રાજકોટના યુવાનને ધાર્મિક વિધિ તેમજ પ્રભુ પ્રકોપના નામે અંધવિશ્વાસમાં લઇ અને રૂા.૮ લાખ જેટલી કિંમતના દાગીના મેળવી લઇ, ચિટિંગ કરનારા રાજકોટ અને મોરબીના રહીશ એવા મદારી ગેંગના બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા.
આ સમગ્ર ચકચારી પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રાજકોટમાં રહેતાં નિર્મલભાઇ નામના એક યુવાનને સોનાની વિધિ કરાવીને રિદ્ધિ-સિદ્ધિ મળશે અને નડતર દૂર થશે તેવા વિશ્વાસમાં ભોળવીને કથિત સાધુ જેવા શખ્સોએ ફોન કરીને દ્વારકા પાસે ધ્રાસણવેલ ગામે બોલાવી આરોપીઓએ યેનકેન પ્રકારે પ્રભુ પ્રકોપના નામે ડરાવીને તેઓને વિશ્વાસમાં લઇ ૮ લાખ રૂપિયા જેટલી કિંમતના દાગીના મેળવી લઇ પરત ન આપી ઠગાઇ કરી હતી. આ અંગે દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પી.આઇ. બી.જે.સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ તપાસ દરમિયાન બાતમીના આધારે દ્વારકા ચરકલા રોડ પર રેલવેના નાલા પાસેથી મોરબી તાલુકાના મકનસર ગામના જાનનાથ સુરમનાથ પઢિયાર નામના મદારી શખ્સ સાથે રાજકોટ તાલુકાના પારેવાડા ગામના નેનુનાથ પોપટનાથ બામણીયા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. આ બંનેની પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતાં તેઓએ ચિટિંગના ગુનાની કબુલાત આપી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ચિટિંગ કરીને મેળવેલા સોનાના દાગીના, કાર, મોબાઇલ મળી કુલ રૂા.૯,૩૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.



