સિરામિક એક્સપોર્ટ કરતી 8 વેપારી પેઢીના ખોટા આઇડી બનાવી 1.62 કરોડની ઠગાઇ | 8 ceramic exporting business firms cheated of Rs 1 62 crore by creating fake IDs

![]()
મોરબી સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ
બોગસ આઈસગેટ એકાઉન્ટ બનાવી સાયબર ગઠિયા સરકાર તરફથી મળતી ક્રેડિટ સહાયની ૧.૬૨ કરોડની રકમ હડપ કરી જતા ફરિયાદ
મોરબી: મોરબીમાં વધુ એક સાયબર ફ્રોડ પ્રકાશમાં આવ્યો છે. સિરામિક આઈટમ એક્સપોર્ટ કરતી મોરબીની ૮ વેપારી પેઢીઓના બોગસ આઈસગેટ એકાઉન્ટ સાયબર ગઠિયાઓએ બનાવી સરકાર તરફથી મળતી ક્રેડિટ સહાયની ૧.૬૨ કરોડની રકમ હડપ કરી જતા મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
મોરબીના પંચાસર રોડ પર રહેતા અને નાશા ઇન્ટરનેશનલ નામની પેઢી ધરાવતા સિરામિક એક્સપોર્ટર દીપકભાઈ વલમજીભાઈ પાંચોટિયાએ ફરિયાદ નોંધાવી છે કે તેમની પેઢી તથા અન્ય પેઢીઓ નેક્ષોના સિરામિક એલએલપી, નેશા વિટ્રીફાઇડ એલએલપી, સેફોન સિરામિક એલએલપી, લકઝરીકો સિરામિક એલએલપી, વિ વાનટા સિરામિક પ્રા.લી., સિલ્ક સિરામિક તથા લીનારા વિટ્રીફાઈડ એલએલપી એમ ૮ સિરામિક એક્સપોર્ટ વેપારી પેઢીના નામે અજાણ્યા સાયબર ગઠિયાઓએ બોગસ આઈસગેટ એકાઉન્ટ બનાવી નાખ્યા હતાં.
અને ખોટા મોબાઇલ નંબર તથા ડિજિટલ સિગ્નેચર થકી સરકાર તરફથી એક્સપોર્ટ બદલ મળતી આઈસગેટ સ્કીમ અંતર્ગત મળેલી ૧૬૨૭૮૮૫૮ની રકમ ઠગાઇ કરી મેળવી લીધી હતી. અને ૮ વેપારી પેઢી સાથે સાયબર ફ્રોડ આચર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

