જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતા પર જીવલેણ હુમલો, કોર્પોરેટર સહિત 6 સામે ગુનો નોંધાયો | Jamnagar Former Municipal Opposition Leader Assaulted Police Book Corporator and Five Others

![]()
Jamnagar News: જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે રાજકીય અદાવતમાં અન્ય કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા સોપારી આપી હુમલો કરાવવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, અસલમ ખીલજી સોમવારે (29મી ડિસેમ્બર) સાંજે મહાનગરપાલિકાની કચેરીએથી પોતાનું કામ પતાવી બાઈક પર પરત ફરી રહ્યા હતા. દરમિયાન ભીડભંજન રોડ પર એક કારમાં સવાર થઈને આવેલા પાંચ શખસોએ અસલમ ખીલજીને આંતર્યા હતા. તલવાર, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા લઈને આ હુમલાખોરો અસલમ ખીલજી પર તૂટી પડ્યા હતા. જેમાં અસલમ ખીલજીને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અસલમ ખીલજી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ તે સારવાર હેઠળ છે.
આ મામલે અસલમ ખીલજીના ભત્રીજા શાહનવાજ ખીલજીએ સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ હુમલા પાછળ વોર્ડ નંબર 12ના જ અન્ય કોર્પોરેટર અલ્તાફ ખફીનો હાથ છે. બંને નેતાઓ વચ્ચે લાંબા સમયથી રાજકીય રાગ-દ્વેષ અને પાવર ગેમ ચાલતી હતી, જેનો ખાર રાખીને અલ્તાફ ખફીએ પોતાના માણસો મોકલી અસલમની હત્યા કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર ગણાતા અલ્તાફ ખફી સહિત જુનેદ, રજાક ચૌહાણ, ઇસ્તીયાક, સલીમ ખીલજી, હબીબ ખફી અને સમીર સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો છે
શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
હુમલાની ઘટના બાદ અસલમ ખીલજીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે કાલાવડ નાકા બહાર અને પટણીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભારે તંગદિલી ફેલાઈ છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યાં છે.



