गुजरात

સાબરમતીમાં પોલીસ ટીમ પર હુમલો, ઉશ્કેરાયેલા યુવકે લાકડાના ફટકા મારી PCR વાનના કાચ તોડ્યા | Ahmedabad Shock: Police Team Attacked in Sabarmati PCR Van Damaged



Ahmedabad Crime: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાહેર ન્યુસન્સની ફરિયાદના આધારે સ્થળ પર પહોંચેલી PCR વાન પર એક શખસે લાકડાના ફટકા વડે હુમલો કરી તોડફોડ કરી હતી. આરોપીએ માત્ર સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું એટલું જ નહીં, પરંતુ ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે રકઝક કરી ગાળાગાળી પણ કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, સાબરમતી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અશ્વીનકુમારે આરોપી દિલીપ મહેશભાઈ રાજપુત સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં 27મી ડિસેમ્બર 2025ના રોજ રાતે આઠ વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળ્યો હતો કે સાબરમતી રેલવે કોલોનીમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર નજીક એક વ્યક્તિ ભયનો માહોલ ફેલાવી રહ્યો છે. અંકિતભાઈ રાવત નામના નાગરિકે ફરિયાદ કરી હતી કે એક શખસ હાથમાં મોટું લાકડું રાખી લોકોને મારવાની ધમકી આપી રહ્યો છે, જેના પગલે સાબરમતી પી.સી.આર-22ની ટીમ તપાસ માટે રવાના થઈ હતી.

આ પણ વાંચો: ‘થાય એ કરી લો, હું એને પ્રેમ કરતો રહીશ..’ અમદાવાદમાં બે યુવકો પર પ્રેમીનો ધારીયા વડે હુમલો

પોલીસ ટીમ રાત્રે 8.20 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી, ત્યારે 25 વર્ષીય આરોપી દિલીપ રાજપુત હાથમાં લાકડું લઈને ઊભો હતો. પોલીસે તેને શાંત પાડી લાકડું નીચે મૂકવા અને પૂછપરછમાં સહકાર આપવા જણાવ્યું હતું. જો કે, પોલીસને જોતા જ દિલીપ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોલીસ સ્ટાફને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં તેણે પોતાના હાથમાં રહેલા લાકડા વડે સરકારી પી.સી.આર વાન પર ફટકા માર્યા હતા. આ હુમલામાં પોલીસ વાનના આગળ અને પાછળના બંને કાચ તૂટી ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, આરોપીએ સરકારી મિલકતને આશરે 15,000 રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.

પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી દિલીપ રાજપુતને કાબૂમાં લીધો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. સરકારી ફરજમાં અડચણ ઉભી કરવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button