”હું મંજૂર નહીં કરૂં ત્યાં સુધી ઝેલેન્સ્કીને કશું મળવાનું નથી : ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ વાત | ‘Zelensky gets nothing unless I approve it’: Donald Trump’s clear statement

![]()
– ટ્રમ્પ સાથેની મંત્રણા દરમિયાન ઝેલેન્સ્કી પ્રાદેશિક વિવાદ ઉઠાવશે, તેમાં ડૉનબાસના લુહાન્સ્ક ડોનોત્સક મુદ્દાઓ હશે જે કીવને પાછા મળવા સંભવ નથી
વોશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે શુક્રવારે (સ્થાનિક સમય પ્રમાણે) સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવા માટેના ઝેલેન્સ્કીનો પ્રસ્તાવ સ્વીકાર્ય નથી.
ઝેલેન્સ્કી ફલોરિડામાં ટ્રમ્પને મળવાના છે, તે પહેલાં પ્રમુખે પોતાનું મંતવ્ય જણાવી દીધું હતું. પ્રમુખે બહુ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, ”હું જ્યાં સુધી મંજૂર નહીં કરૃં ત્યાં સુધી ઝેલેન્સ્કીને કશું મળવાનું નથી.”
પોલિટિકોને આપેલી મુલાકાતમાં તેઓએ કહ્યું, ”જોઈએ તેની પાસે શું છે ?” (ક્યો પ્રસ્તાવ છે ?)
ઉલ્લેખનીય તો તે છે કે ગત વર્ષે જાન્યુઆરી ૨૦મીએ પ્રમુખ પદના શપથ લીધા પછી અને તે પહેલાં પણ ચૂંટણી પ્રચાર સમયે ટ્રમ્પ વારંવાર કહેતા આવ્યા છે કે યુક્રેન યુદ્ધ બંધ કરવું મારી સૌથી પહેલી પ્રાથમિકતા છે.
આ યુદ્ધ બંધ કરવાના પહેલા પ્રયાસ રૂપે ટ્રમ્પે ઓગસ્ટમાં પ્રમુખ પુતિન સાથે આલાસ્કામાં મંત્રણા કરી હતી. જોકે આ મંત્રણા સફળ તો થઈ જ હતી. છતાં પ્રમુખ ટ્રમ્પ પુતિન સાથે સતત સંપર્કમાં રહ્યાં છે.
રશિયા સાથે મડાગાંઠ પડવાનું યુક્રેનનું મુખ્ય કારણ ડોનબાસના બે પ્રાંતો લુહાન્સ્ક અને ડોનોત્સક ઉપર રશિયાનો કબજો છે. યુક્રેન તે પાછા મેળવવા માગે છે, જ્યારે રશિયા કહે છે. તે રશિયન-ભાષી વિસ્તારોમાં રશિયનો જ વધુ રહે છે માટે તે વિસ્તારો રશિયાને મળવા જ જોઈએ.
અત્યારે તે પ્રાંતો રશિયન દળોના તાબા નીચે હોઈ ડી-ફેકટો રીતે તે રશિયાના છે જ. જેને રશિયા ડી-જ્યુરે કબજો મેળવવા માગે છે. જે અંગે ટ્રમ્પ પણ મહદ્અંશે સહમત છે. ઝેલેન્સ્કીને તે સ્વીકાર્ય નથી. તેમજ દક્ષિણનો દ્વિપકલ્પ ક્રીમીયા પણ રશિયાના તાબામાં છે. તે પણ ઝેલેન્સ્કી પરત મેળવવા ઇચ્છે છે. જે સંભવિત જ નથી. આ તરફ ટ્રમ્પે યુક્રેન યુદ્ધની શાંતિ માટે ૨૦ મુદ્દાનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. જે પુતિને તો સ્વીકારી જ લીધો છે. પરંતુ ઝેલેન્સ્કી તો કેટલાંક મુદ્દાઓ ઉપરના વિરોધ સાથે તે સ્વીકારવા તૈયારી દર્શાવી છે.
બીજી તરફ કીવે રશિયાની ઓઈલ પાઈપ લાઈન તોડી તેની તેલની આવક બંધ કરવા કે ઓછી કરવા માગે છે. તો બીજી તરફ રશિયાએ વળતા હુમલા વધારી દીધા છે. યુક્રેને શાંતિ હાથ તાળી આપી રહ્યું છે.



