दुनिया

એવો દેશ જ્યાં કોઈ મંદિર-મસ્જિદ નથી, ધર્મનું પાલન કરો તો મળે સજા | Country With No Temples or Mosques: Religion Punishable by Law in North Korea



No Temples Country: વિશ્વના મોટાભાગના દેશોમાં ધર્મ, આસ્થા અને પ્રાર્થનાના સ્થળોને સંસ્કૃતિના પ્રતીક માનવામાં આવે છે. પરંતુ દુનિયાના નકશા પર એક એવો દેશ પણ છે જ્યાં ધર્મનું પાલન કરવું એ ગુનો ગણાય છે. આ દેશ એટલે ઉત્તર કોરિયા. અહીં કોઈ સત્તાવાર મંદિર કે મસ્જિદ નથી અને જો કોઈ નાગરિક ધાર્મિક પ્રવૃત્તિમાં સંડોવાયેલો જોવા મળે, તો તેને કઠોર સજા ફટકારવામાં આવે છે.

શા માટે ઉત્તર કોરિયામાં ધર્મ પર છે પ્રતિબંધ?

અહેવાલો અનુસાર, ઉત્તર કોરિયા સત્તાવાર રીતે એક નાસ્તિક દેશ છે. અહીંની સરકારની વિચારધારા મુજબ, ધર્મ એ લોકોની વફાદારીને વિભાજિત કરતું માધ્યમ છે. સરકાર માને છે કે જો લોકો કોઈ ભગવાન કે ધર્મમાં માનશે, તો તેમની શાસક પ્રત્યેની વફાદારી ઓછી થઈ જશે. તેથી, બાળપણથી જ નાગરિકોને શીખવવામાં આવે છે કે ધર્મ એ એક વિદેશી ખ્યાલ છે અને તે માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માટે છે.

આ પણ વાંચો: ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં મોટો અવરોધ જ ડોનાલ્ડ ટ્રમ્પ, હવે દિલ્હીએ લેવો પડશે નિર્ણય!

ધર્મ પાળવા બદલ ભયાનક સજાની જોગવાઈ

આ દેશમાં ધાર્મિક માન્યતા રાખવી એ રાજ્ય વિરોધી વર્તન ગણાય છે. જો કોઈ વ્યક્તિ પાસે બાઇબલ, કુરાન કે અન્ય કોઈ ધાર્મિક ગ્રંથ મળી આવે અથવા તે ગુપ્ત રીતે પ્રાર્થના કરતા પકડાય, તો તેના પરિણામો અત્યંત ગંભીર હોય છે. જેમાં લાંબા સમય સુધી જેલમાં પૂરી દેવામાં આવે છે. બળજબરીથી અમાનવીય મજૂરી કરાવતા કેમ્પમાં મોકલી દેવાય છે. આ ઉપરાંત ગંભીર કિસ્સાઓમાં જાહેર ફાંસી અથવા મોતની સજા પણ આપવામાં આવે છે.

ચર્ચ અને મંદિરો માત્ર ‘દેખાડો’?

રાજધાની પ્યોંગયાંગમાં ગણ્યાગાંઠ્યા ચર્ચ કે મંદિરો જોવા મળે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોના મતે આ માત્ર વિશ્વને બતાવવા માટેનો એક ‘શો-કેસ’ છે. વિદેશી પ્રવાસીઓ સામે ધાર્મિક સ્વતંત્રતાનો ડોળ કરવા માટે આ સ્થળોનો ઉપયોગ થાય છે, જ્યારે હકીકતમાં સ્થાનિકોને ત્યાં જવાની મનાઈ હોય છે.

ભગવાન નહીં ‘કિમ પરિવાર’ની ભક્તિ જ ફરજિયાત

ઉત્તર કોરિયામાં ધર્મના સ્થાને માત્ર શાસક કિમ પરિવારની જ પૂજા કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. વર્તમાન શાસક કિમ જોંગ-ઉન, તેમના પિતા કિમ જોંગ-ઈલ અને દાદા કિમ ઈલ-સુંગ પ્રત્યે સંપૂર્ણ ભક્તિ દર્શાવવી એ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે. ઘરોમાં પણ અન્ય કોઈ તસવીરને બદલે માત્ર આ શાસકોની તસવીરો રાખવી અનિવાર્ય છે.

સખત દેખરેખ અને સર્વેલન્સ

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાનું જાસૂસી નેટવર્ક એટલું મજબૂત છે કે લોકો તેમના ઘરમાં પણ શાંતિથી પ્રાર્થના કરી શકતા નથી. માહિતી આપનારાઓ અને વૈચારિક દેખરેખ રાખનારા અધિકારીઓ સતત તપાસ કરતા રહે છે કે કોઈ નાગરિક છૂપી રીતે ધાર્મિક વિધિઓ તો નથી કરી રહ્યો ને!



Source link

Related Articles

Back to top button