ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ મુસ્લિમોનો બળવો 21 પ્રાંતોમાં ફેલાયો | Muslim uprising against Islamic rule in Iran spreads to 21 provinces

![]()
– દેખાવકારો અને રીવોલ્યુશનરી ગાર્ડના સંઘર્ષમાં એક સ્વયંસેવકનું મોત
– ‘તાનાશાહ મુર્દાબાદ’, ‘ડેથ ટુ ડિક્ટેટર’, રાજાશાહીના સમર્થનમાં સૂત્રોચ્ચાર થયા : ટોળાને વિખેરવા ટીયર ગેસના શેલ છોડાયા
તેહરાન : ઈરાનમાં તળીયે ગયેલા અર્થતંત્ર અને સામાજિક નિયંત્રણો વચ્ચે ઈસ્લામિક શાસન વિરુદ્ધ દેખાવો સતત વધી રહ્યા છે. સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈ વિરુદ્ધ બળવો ચોથા દિવસે ઈરાનના ૨૧ પ્રાંતો સુધી ફેલાયો છે. દેખાવકારો ઈરાનમાં સત્તા પરિવર્તનની માગ કરી રહ્યા છે. ઈરાનમાં ઉગ્ર આંદોલન વચ્ચે દેખાવકારોએ પારામિલિટરી રિવોલ્યુશનરી ગાર્ડના એક સભ્યને મારી નાંખ્યો હતો.
ઈરાનમાં ઈસ્ફહાન, હમાદાન, બાબોલ, દેહલોરન, બાઘમલેક અને પિયાન જેવા શહેરોમાં દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, નિર્વાસિત રાજકુમાર રઝા પહલવીનું સમર્થન કર્યું અને પાછલા બળવામાં માર્યા ગયેલા દેખાવકારોને યાદ કર્યા હતા. આ સાથે ઈરાનના ૨૧ શહેરોમાં સ્થાનિક લોકોએ ધાર્મિક નેતા આયાતોલ્લાહ ખામેનેઈ વિરુદ્ધ દેખાવો કર્યા હતા.
ઈરાનમાં ડિસેમ્બર ૨૦૨૫થી ચાલી રહેલા મુસ્લિમ સત્તા વિરોધી દેખાવો મુખ્યરૂપે આર્થિક સંકટમાંથી ઉપજ્યા છે, જ્યાં ડોલરની સરખામણીએ ઈરાનનું ચલણ રિયાલ ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયું છે.
આ દેખાવો વર્ષ ૨૦૨૨ના મહસા અમીની આંદોલન પછી સૌથી મોટા છે અને હવે ચોથા દિવસે પણ ચાલુ રહ્યા છે. ઈરાનમાં મોંઘવારીમાં પણ અસાધારણ વધારો થયો છે. ફુગાવો ૪૨ ટકા સુધી પહોંચી ગયો છે. દૈનિક જીવન માટે જરૂરી વસ્તુઓનો ખર્ચ વધવાથી જનતા પરેશાન છે. ઈસ્ફહાનમાં દેખાવકારોએ ‘ડરો નહીં, અમે બધા સાથે છીએ’, ‘તાનાશાહ મુર્દાબાદ’ અને ‘ડેથ ટુ ડિક્ટેટર’ના સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતા. બીજીબાજુ દેહલોરન અને બાગમલેકમાં દેખાવકારોએ રાજાશાહીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક શહેરોમાં દેખાવકારોને વિખેરવા માટે સુરક્ષા દળોએ ગોળીબાર અને ટીયર ગેસના શેલ છોડયા હતા. જોકે, દેખાવકારોએ પીછેહઠ કરી નહોતી. નાગરિકોના આ દેખાવોને હવે મૌલાનાઓનું પણ સમર્થન મળવા લાગ્યું છે.
દરમિયાન ઈરાનના એક પશ્ચિમી પ્રાંતમાં દેખાવકારો અને સુરક્ષા દળો સાથેના ઘર્ષણમાં પારામિલિટરી રિવોલ્યુશનરી ગાર્ડના એક સ્વયંસેવકનું મોત થઈ ગયું હતું.



