અમદાવાદ: લિફ્ટ આપવાના બહાને બિઝનેસ હેડનું અપહરણ કરી લૂંટી લીધો
અમદાવાદ: ખાનગી ગાડીમાં લિફ્ટ લેનાર વ્યક્તિઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જે તે સ્થળ પર પહોંચવાની ઉતાવળમાં લિફ્ટ લેવાનો નિર્ણય ક્યારેક ભારે પડી શકે છે. આવો જ એક બનાવ શહેરના એક બિઝનેસ હેડ સાથે બન્યો છે. વટવા જી.આઇ.ડી સી.માં આવેલી એક કંપનીમાં બિઝનેસ હેડ તરીકે ફરજ બજાવતા અને નડિયાદના રહેવાસી વિશાલ રાજપૂતે પોલીસ ફરિયાદ આપી છે કે કંપનીમાં કામ હોવાથી તેઓ રાત્રીના નવ વાગ્યા સુધી રોકાયા હતા. બાદમાં કામ પૂર્ણ કરી નડિયાદ જવા માટે જશોદાનગર ફાયર બ્રિગેડ પાસે એસ.ટી. સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન એક ખાનગી કારમાં ત્રણ યુવાનો આવ્યા હતા અને ડ્રાઇવરે તેઓને નડિયાદ જવું છે કહીને ગાડીમાં બેસાડ્યા હતાં.
બાદમાં તેઓ મહેમદાવાદ રોડ થઈ હીરપુર પાટીયા પહોંચ્યા હતા. આ દરમિયાન ગાડીમાં પાછળની બાજુમાં બેઠેલા આરોપીએ ગળા પર છરી રાખીને તેમની પાસે જે પણ કંઈ હોય તે આપી દેવા માટે જણાવ્યું હતું. ચાલુ ગાડીએ ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલો આરોપી પાછળ આવી ફરિયાદીને ધમકાવવા લાગ્યો હતો.
આરોપીઓ ફરિયાદીને ગાડીમાં રાસ્કા ગામની અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં ગાડી ઊભી રાખીને ફરિયાદીને બીભત્સ ગાળો બોલી માર મારીને તેમની બેગ કે જેમાં એક ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ, 700 રૂપિયા રોકડા અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતા.