ફૂડ વિભાગ દ્વારા ગાંધીનગર શહેરની ખાણીપીણીની લારીઓ પર સર્વેલન્સ ડ્રાઈવ
ગાંધીનગર
ગાંધીનગર શહેરમાં ઠેકઠેકાણે વેચાતી ખાણીપીણીની વસ્તુઓ શહેરના નાગરિકો સુધી સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત પહોંચે તે માટે ફૂડ વિભાગ દ્વારા ગાંધીનગર શહેરની ખાણીપીણીની લારીઓ તેમજ દુકાનો પર સર્વેલન્સ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ સર્વેલન્સ ડ્રાઈવમાં શહેરના જુદા જુદા વિસ્તારની લારીઓ, દુકાનો અને સ્ટોલ્સ પરથી ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગાંધીનગર ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર સી. એસ. ગોહિલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસર હેમેન્દ્રસિંહ વાઘેલા તથા મયૂરધ્વજસિંહ કૂંપાવત દ્વારા ગાંધીનગર વિસ્તારમાં કુલ ૪૮ જેટલા સર્વેલન્સ નમૂના લઈ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય નમૂનાઓને લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ ખાદ્ય નમૂનાઓના રિપોર્ટને આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયમાં પણ આવી સર્વેલન્સ ડ્રાઈવ યોજીને ખાદ્ય પદાર્થોની ગુણવતાને ચકાસવામાં આવશે.