ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨_અવસર લોકશાહીના અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં શાળાનાં બાળકોએ પોસ્ટર-બેનર થકી મતદાન કરવાનો સંદેશ આપ્યો
અવસર લોકશાહીનો સાર્થક કરવા પ્રાથમિક- માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃત્તિનાં સૂત્રો લખીને પોસ્ટર-બેનર બનાવ્યા
ગાંધીનગર
અનીલ મકવાણા
ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃત્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક–માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર અને બેનર બનાવી મતદાન જાગૃત્તિનો અનેરો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ પોસ્ટર – બેનર સાથે જાહેરસ્થળોએ ઊભા રહીને તેમજ રેલી સ્વરૂપે મતદાન કરવાનો સંદેશો સૌ નાગરિકોને આપ્યો હતો.
‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં મતદાન જાગૃત્તિ લાવવા અને દરેક નાગરિક મતદાન કરીને પોતાની નૈતિક ફરજ અદા કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે તા. ૧૭મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર–બેનર દ્વારા મતદાન જાગૃત્તિનો સંદેશ આપવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર-બેનર બનાવવામાં આવ્યા હતા. જેમાં ‘હું અવશ્ય મતદાન કરીશ… તમે પણ ભૂલતા નહીં’, ‘હું નહીં ભૂલું મતદાન કરવાનું… તમે પણ ન ભૂલતા મતદાન કરવાનું’, ‘મતદાન કરો, આવતીકાલના ઉજ્જવળ ભવિષ્ય માટે’, ‘મારો મત, મારો અધિકાર’, ‘મતદાન આપણી પવિત્ર ફરજ’, ‘વોટ ફોર બેટર ઇન્ડિયા’, ‘મતદાન હમારા અધિકાર’ વિવિધ અનેક સ્લોગન લખીને મતદારોને જાગૃત્તિનો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લાની વિવિધ શાળાઓનાં બાળકો નજીકનાં જાહેરસ્થળો ખાતે પોસ્ટર-બેનર લઈને ઊભા રહ્યાં હતાં. અનેક ગામોમાં વિદ્યાર્થીઓએ આ સ્લોગન સાથે રેલી સ્વરૂપે ફરીને મતદાન કરવાનો સંદેશ સર્વે નાગરિકોને આપ્યો હતો તેમજ દુકાનદાર, લારી-ગલ્લાવાળા પાસે બેનર-પોસ્ટર સાથે ઊભા રહીને પણ વિદ્યાર્થીઓએ મતદાનની નૈતિક ફરજ અદા કરવાનો સંદેશો આપ્યો હતો.