મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં શુક્રવાર સુધી મધ્યમ અને શનિવારે ભારે વરસાદની આગાહી
મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં શુક્રવાર સુધી મધ્યમ અને શનિવારે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ત્રણેય જિલ્લાના ૨૯ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જ્યારે સાંતલપુર, ભાભર, સુઈગામ અને વડગામ તાલુકામાં મેઘરાજાએ હાથતાળી આપી હતી. પાટણના ૯ પૈકી ૮, બનાસકાંઠાના ૧૪ પૈકી ૧૧ અને મહેસાણા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડયો હતો.સૌથી વધુ વરસાદ અમીરગઢમાં બે, વિજાપુરમાં દોઢ, દાંતા, પાલનપુર, સતલાસણા અને વિસનગરમાં એક તેમજ સરસ્વતી, દાંતીવાડા, ડીસા, ધાનેરા, વડગામ, જોટાણા, ખેરાલુ, મહેસાણા અને વડનગર તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે બાકીના તાલુકાઓમાં ૨ મીમીથી લઈને ૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મેઘરાજાની મહેર ચાલુ રહી હતી. કુલ ૩૩ તાલુકા પૈકી ૨૯ તાલુકામાં વરસાદ વરસ્યો હતો.