ઉત્તર ગુજરાતમાં કોરોના બન્યો ઘાતક: એક જ દિવસમાં વધુ 107 પોઝિટિવ કેસ નોંધાયા
ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ રોકેટ ગતીએ આગળ વધી રહ્યો છે. રોજ સરેરાશ ૫૦થી વધુ કોરોના પોઝિટીવ કેસ સામે આવી રહ્યા છે. ચોથી લહેરમાં આ વખતે શહેરી કરતાં ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમિતોની સંખ્યા ચિંતાજનક જોવા મળે છે. આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શનીવારે મહેસાણા જિલ્લામાં ૬૬, બનાસકાંઠામાં ૨૭ અને પાટણ જિલ્લામાં ૧૪ મળીને કુલ ૧૦૭ પોઝિટીવ કેસ નોંધાયા છે. હાલમાં ત્રણેય જિલ્લામાં ૫૪૧ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલ અને હોમ આઈસોલેશન થઈને સારવાર લઈ રહ્યા છે.મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે, શનીવારે ૧૬૯૨ કોરોના સેમ્પલના રીઝલ્ટ આવ્યા હતા. જેમાંથી ૫૫ ના રીઝલ્ટ પોઝિટીવ જયારે ખાનગી લેબના ૧૧ પોઝિટીવ મળી કુલ ૬૬ લોકોના પોઝિટીવ રીઝલ્ટ આવેલ. શહેરી વિસ્તારમાં ૨૬ અને ગ્રામ્યમાં ૪૦ કેસનો સમાવેશ થાય છે. જિલ્લાના ૧૦ તાલુકા પૈકી એકમાત્ર સતલાસણા છોડીને અન્ય ૯ તાલુકામાં કોરોના કેસ મળ્યા છે.મહેસાણા તાલુકામાં સૌથી વધુ ૧૮, વડનગર ૨, ઊંઝા ૧૨, જોટાણા ૨, બેચરાજી ૩, ખેરાલુ ૪, વિસનગર ૧૧, કડી ૩ અને વિજાપુર તાલુકામાં ૧૧ કેસનો સમાવેેશ થાય છે. જિલ્લામાં અત્યારે ૩૦૯ કોરોનાના એક્ટિવ કેસ છે.ં૩૭ દર્દી સાજા થતાં રજા આપવામાં આવી હતી.પાટણ જિલ્લામાં કોરોનાના ૧૪ કેસ સામે આવ્યા છે.જેમાં સૌથી વધુ પાટણ તાલુકામાં ૧૦ અને ચાણસ્મામાં ૪ પોઝિટીવ કેસનો સમાવેશ થાય છે.આરટીપીસીઆર અને એન્ટીજન મળીને ૧૪૮૬ લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ૩૩ પોઝિટીવ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી.જયારે હાલમાં ૧૩૦ કોરોના પિડીત દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.