ધાનેરા – ડીસા વચ્ચે ૧૦ ગામડાઓના ખેતરોમાં બેથી પાંચ ફૂટ પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ડીસા પંથકના ગામડાઓના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ધાનેરા – ડીસા વચ્ચે આવેલા ૧૦ જેટલા ગામડાઓના ખેતરોમાં બેથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ડીસા સહિત આજુબાજુના પંથકમાં છેલ્લા ચાર દિવસીથી અવિરત પણે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ડીસા તાલુકાના જેનાલ, વરણ, શેરપુરા, લક્ષ્મીપુરા, કંસારી સહિત આજુબાજુ નીચાંણવાળા ગામના ખેતરોમાં પાણી નદીની જેમ વહેવા લાગતા જળબંબાકાર જેવી સ્થિતી સર્જાતા ખેડૂતોએ વાવેલ મહામૂલો મગફળીનો પાક નષ્ટ થતા લાખો રૃપિયાનું નુકસાન વેઠવું પડયું છે. ખેડૂતોના ખેતરમાં બેથી પાંચ ફૂટ જેટલુ પાણી વહી રહ્યું છે. જેના કારણે ખેડૂતોએ ચોમાસાનું વાવેતર કર્યું હતું તે તમામ પાણીમાં નષ્ટ થઇ ગયો છે.