અમદાવાદ: RT PCR નેગેટિવ આવ્યાં બાદ પણ શરદી, કળતર કે ઓક્સિજન ઓછું રહે તો શું કરશો? જાણો HRCT શું છે

ગાંધીનગર – સુરત -અમદાવાદ જેવા શહેરોમાં કોરોના હવે કાબુ બહાર જતો રહ્યો છે . સંક્રમણ એટલી હદે ફેલાઈ રહ્યુ છે કે હોસ્પિટલોમાં વેન્ટિલેટરથી માંડીને ઓક્સિજન સહિતના બેડ ફૂલ થઈ ગયાં છે. ત્યારે ફરીવાર એક નવી જ ચિંતા ઉભી થઈ છે. જો RT – PCR રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવ્યા બાદ પણ શરદી, કળતર કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું રહેતું હોય તો શુ સમજવું? આવા સંજોગોમાં ડોકટર પાસે નહી જઇને ઘરગથ્થુ ઉપચાર કરતા રહેવુ ભારે પડી શકેછે. આ પ્રકારના લક્ષણોમાં પણ તાત્કાલિક તબીબોની સલાહ લેવી જરૂરી બને છે. RT – PCR ટેસ્ટમાં કોરોના નેગેટિવ આવ્યા બાદ HRCTમાં હાઇ સ્કોર રિપોર્ટના કિસ્સા વડોદરા અને અમદાવાદમાં સામે આવ્યા છે.
RT – PCRના ટેસ્ટિંગમાં જવલ્લે જ સર્જાતા આ પ્રકારના વિરોધાભાસ સંદર્ભે નિષ્ણાત તબીબોએ કહ્યું કે, સામાન્ય રીતે RT PCRનો રિપોર્ટ ૯૯ ટકા પરફેક્ટ હોય છે. એકાદ ટકા ફોલ્સ નેગેટિવ રહી શકે છે. પરંતુ , હાલમાં બે – ત્રણ ટકા રિપોર્ટમાં આ પ્રકારની ખામી જોવા મળી રહી છે. જેની પાછળ વ્યક્તિના ગળા , નાકમાંથી સેમ્પલ લેતી વખતની સ્થિતિ તેમજ ટેસ્ટિંગ ટયુબમાં દ્રવ્યનું મિશ્રણ જવાબદાર હોઈ શકે છે. HRCTમાં ર૫માંથી આઠનો સ્કોર હોય તો માઈલ્ડ, ૯થી ૧૫ના સ્કોરમાં મોડેરેટ અને ૧૫થી વધુ સ્કોર હોય તો દર્દીની સ્થિતિ ગંભીર કહેવાય છેે.