गुजरात

નાગરિકોને લૂંટવાનો નવો કીમિયો: કોરોના રસી લીધી છે? પૂછીને ફોન કરી દે છે હેક, જાણો વિગતો

અમદાવાદ : રોજબરોજ કોઇને કોઇ સાથે ઓનલાઇન છેતરપિંડી થતી હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે છેતરપિંડીનો વધુ એક કીમિયો પ્રકાશમાં આવ્યો છે. કોરોના રસીના નામે નાગરિકો સાથે ફ્રોડ શરૂ થયુ છે. ગઠિયાઓ લોકોને ફોન કરીને કોરોનાની રસી  લીધી છે કે નહીં? તેવું પૂછીને રસી લીધી હોય તો 1 નંબર દબાવવા કહેવામાં આવે છે. આ પ્રકારે 1 નંબર દબાવાય તો ફોન હેક થઈ જાય છે.

ફોન આ રીતે કરે છે હેક

કોરોના રસીકરણ અંતર્ગત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ચાર અંકના નંબર પરથી નાગરિકોને ફોન કરી રેપિડ એસેસમેન્ટ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી નાગરિકોના પ્રતિભાવ જાણી જરૂરી બદલાવ લાવવા રેપિડ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં છે. પરંતુ જો તમને દસ નંબરના આંકડા પરથી ફોન આવે તો ચેતી જજો. જેમા ફોન ઉપર પૂછવામાં આવે છે કે, તમે કોરોના વેક્સિન લીધી છે? જો કોરોના વેક્સિન લીધી હોય તો 1 નંબર દબાવો. 1 નંબર દબાવવામાં આવતાં જ ફોન હેક અથવા તો બ્લોક થઈ જાય છે. જે બાદ તેઓ તમારા ફોનમાંથી મહત્ત્વની માહિતી મેળવી લે છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી છેતરપિંડી કરતા શખ્સોથી બચવા સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. જોકે, સાયબર ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે, કોરોના વેક્સિનેશનના નામે કરાતા ફોનથી પૈસા ગુમાવ્યા હોવાની ફરિયાદ હજૂ સુધી આવી નથી.

Related Articles

Back to top button