મોંઘવારી, બેરોજગારીને લઈને વડોદરામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
વડોદરા શહેર કોંગ્રેસે મોદી સરકારના વાયદા જુઠા ગણાવી બેરોજગારી અને મોંઘવારીમાં ફસાયેલી જનતાને બહાર કાઢવા સયાજીગંજ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આ દરમિયાન કાર્યક્રમની પરવાનગી મુદ્દે સયાજીગંજ પોલીસે પ્રમુખ ,વિપક્ષી નેતા સહિત 10 લોકોની અટકાયત કરી હોવાની માહિતી જાણવા મળી છે. જ્યારે કોંગ્રેસ કાઉન્સિલરોની ગેરહાજરી આંખે ઉડી વળગી હતી. અગાઉ પીએમ મોદીએ દેશના યુવાનો અને સામાન્ય લોકોને વાયદા કર્યા હતા કે સત્તા પર આવતાની સાથે જ તેઓ બેરોજગારી અને મોંઘવારીને નાબૂદ કરી નાખશે. ‘‘બહુત હુઈ મહંગાઈ કી માર’’ એવા નારાજી ગુંજ ચોમેર સંભળાતી હતી. આજે તેમને સત્તારૂઢ થયાને આઠ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ મોંધવારી અને બેરોજગારી ઘટવાને બદલે આસમાને આંબી રહી છે. તેમની નિષ્ફળ આર્થિક નીતિઓનાં કારણે દેશમાં મોંઘવારી વિક્રમી સ્તરે છે.
છેલ્લા ૧૮ મહિનાથી મોંઘવારી દર બેવડાં આંકમાં છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રાંધણ ગેસથી લઈને અનાજ, દાળ, લોટ, ચોખા, દહીં, પનીર, મધ જેવી રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટી ઝીંકવાથી મોંઘવારીએ માઝા મૂકી છે. બાળકો માટે પેન્સિલ અને શાર્પનરથી લઈને હોસ્પિટલ બેડ અને સ્મશાનગૃહના બાંધકામ પર પણ જીએસટી ઝીંકી દીધો છે. મોદી સરકાર મોંઘવારીને કાબુમાં લેવામાં નિષ્ફળ ગઈ છે. ઊલટાનું પરેશાન પ્રજા પર ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં સરકાર વ્યસ્ત છે .૨૦૨૧-૨૨માં દેશનું કુલ ટેક્ષ ક્લેશન પણ ૩૪ ટકા વધીને રૂ.૨૭.૦૭ લાખ કરોડ થઈ ગયું છે, બીજી બાજુ લોકોને મળતી સુવિધાઓ બંધ કરવામાં આવી રહી છે. ગેસ પર મળતી સબસિડી બે વર્ષ પહેલાં જ બંધ કરી દેવામાં આવી છે.