ટ્રમ્પ સરકારમાં ભારતીય વિદ્યાર્થીઓનો US પ્રત્યે મોહભંગ, દાયકાઓનો સૌથી મોટો ઘટાડો નોંધાયો | Indian student enrollment in US plummets by 75% under Trump’s strict visa policies

![]()
Indian student enrollment in US plummets by 75% : અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાના ભારતીય વિદ્યાર્થીઓના સપના પર ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓએ ગ્રહણ લગાવ્યું છે. ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં જ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનમાં 75% જેટલો ધરખમ ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી તીવ્ર ઘટાડો છે.
75%નો અભૂતપૂર્વ ઘટાડો
અહેવાલ મુજબ, હૈદરાબાદ સ્થિત કન્સલ્ટન્સીના અરવિંદ મંડુવાએ જણાવ્યું કે, “દાયકાઓમાં પહેલીવાર આટલો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જ્યાં ટોચની 40 અમેરિકન યુનિવર્સિટીઓમાં અરજી કરવાથી પણ વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે.” વિઝા રિજેક્શન દરમાં વધારો અને મર્યાદિત સ્લોટ્સને કારણે વિદ્યાર્થીઓમાં આ ખચકાટ વધ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘટાડો, વિઝા રિજેક્શન રેટ રેકોર્ડ ઉંચાઈ પર
આ ઘટાડો માત્ર ભારતીય વિદ્યાર્થીઓ પૂરતો સીમિત નથી. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કુલ આવેદનોમાં પણ 19%ની કમી આવી છે, જેમાં ભારતથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 44%નો જંગી ઘટાડો સામેલ છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પ પ્રશાસનની કડક નીતિઓ છે, જેમાં વિઝા પ્રોસેસિંગમાં વિલંબ, 19 દેશો પર મુસાફરી પ્રતિબંધ, વિદ્યાર્થી વિઝા અરજદારોની વધેલી તપાસ અને ડિપોર્ટેશન (દેશનિકાલ)ની ધમકીઓનો સમાવેશ થાય છે. અમેરિકી એફ-1 સ્ટુડન્ટ વિઝાનો અસ્વીકૃતિ દર દાયકાના ઉચ્ચતમ સ્તર 41% પર પહોંચી ગયો છે.
ભારતીય વિદ્યાર્થીઓનો શા માટે થઈ રહ્યો છે મોહભંગ?
આ મોહભંગ પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓ અને વધતી અનિશ્ચિતતા છે. નિષ્ણાતોના મતે, વધતી જતી તપાસ અને પોસ્ટ-એન્ટ્રી સ્ક્રિનિંગને કારણે 1 લાખથી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે, જેમાં 8,000 વિદ્યાર્થી વિઝાનો પણ સમાવેશ થાય છે. આ કડક નીતિઓ અને અનિશ્ચિત ભવિષ્યને કારણે ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ હવે અમેરિકાના વિકલ્પ તરીકે યુકે અને કેનેડા જેવા અન્ય દેશો તરફ વળી રહ્યા છે.
અમેરિકન યુનિવર્સિટીઓને પણ મોટો ફટકો
આ પરિસ્થિતિની અસર માત્ર વિદ્યાર્થીઓ પર જ નહીં, પરંતુ અમેરિકન યુનિવર્સિટીઓ પર પણ પડી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં આંતરરાષ્ટ્રીOUS વિદ્યાર્થીઓનો લગભગ ત્રીજો ભાગ બનાવે છે. તેમની સંખ્યામાં ઘટાડો થવાથી યુનિવર્સિટીઓની આવક અને સંશોધન તથા નવીનતાને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.



