દાહોદ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
જિલ્લામાં યોજાનાર બોર્ડની પરીક્ષાઓ યોગ્ય આયોજન-સંકલન-પારદર્શકતા સાથે યોજવા કલેકટરશ્રીનું સૂચન
દાહોદ. ગુજરાત
રિપોર્ટર ગોવિંદભાઈ પટેલ
દાહોદ, તા. ૨૧: જિલ્લા સેવા સદન ખાતે આજે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લામાં યોજાનારી આગામી બોર્ડની પરીક્ષાઓને સુચારુ તેમજ યોગ્ય સંકલન સાથે યોજવા કલેકટરશ્રી ગોસાવીએ સૂચન કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, આગામી બોર્ડની પરીક્ષાઓ વિધાર્થીઓ શાંત માહોલમાં આપી શકે તે જરૂરી છે. આ માટેની તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે યોગ્ય સંકલન સાથે કરવી જોઇએ. વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ પણ મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખવું. બોર્ડની પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શકતા સાથે યોજવાની છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આ તબક્કે બોર્ડની પરીક્ષા માટે તૈયારીની વિગતો આપી હતી અને તંત્ર પરીક્ષા યોજવા માટે સજ્જ હોવાનું જણાવ્યું હતું.
કલેકટર શ્રી ગોસાવીએ તમામ વિભાગોને પેન્ડિગ અરજીઓનો સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી.
સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી. પાંડોર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ સોલંકી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.