ગુજરાતીઓને મળશે રાહત! આગામી ચાર દિવસ ગરમીમાં થશે આંશિક ઘટાડો
અમદાવાદ: રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસથી કાળઝાળ ગરમીથી લોકો ત્રાસી રહ્યા છે. ત્યારે સપ્તાહની સરખામણીએ બે દિવસથી ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 4થી 5 દિવસ રાજ્યમાં (Gujarat) ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ, વડોદરા, આણંદ અને દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારોમાં ચાર દિવસ પૂરતી હિટવેવમાંથી રાહત મળે તેવું અનુમાન છે.
રવિવારે દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે રહ્યો હતો. જેમાં રાજકોટ 39.5 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યુ હતુ. રાજકોટમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદની ગરમીની વાત કરીએ તો 38.7 ડિગ્રી નોંધાયુ હતુ. શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો.