અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, અશ્વેતે ગળું દબાવીને મેસેજ કર્યો, ‘મેં તેને મારી નાંખ્યો’

અમેરિકામાં ગુજરાતીની હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવસારીનાં રહીશ અને બીલીમોરાના નિવૃત્ત શિક્ષક રવીન્દ્રભાઇ વશીનાં દીકરા મેહુલભાઇ વશીની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. મૃતકની ઉંમર 52 વર્ષ છે અને તેઓ પત્ની અને બે દીકરીઓ સાથા અમેરિકાના જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહે છે. મૃતક મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર હતા. આ મોટેલ એરપોર્ટની પાસે આવેલી છે. એનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું તે દરિમિયાનમાં બોલાચાલી થઇ હતી ત્યારે અશ્વેત યુવાને ગળુ દબાવીને તેમની હત્યા કરી છે. આના ધેરા પ્રત્યાઘાતો નવસારીમાં પણ પડ્યા છે. તેમના પરિવારજનોમાં શોકની સાથે રોષનો માહોલ છવાયો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મોટેલમાં નશામાં ધૂત એક અશ્વેત વ્યક્તિ સાથે પહેલા મેહુલ વશીની બોલાચાલી થઇ હતી. જે બાદ તેણે મેહુલભાઇ પર હુમલો કરી હત્યા કરી દીધી હતી. આ બાદ મેહુલભાઇ વશીની જગ્યાએ રાત્રિની ફરજ પર આવેલા કર્મીએ મેહુલને ફોન કરીને, ક્યાં છે એવું પૂછ્યું ત્યારે સામેથી મેસેજ આવ્યો કે, મેં તેને મારી નાંખ્યો. જે બાદ તરત જ મેહુલભાઇની શોધખોળ કરવામાં આવી હતી. આ સાથે પોલીસને પણ આ અંગે જાણ કરાઇ હતી.