गुजरात

પાટણ: પાંચવાર MLA અને એક વખત સાંસદ રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે અવસાન

પાટણ: ગુજરાતના વધુ એક પીઢ રાજકારણીનું અવસાન થયું છે. 87 વર્ષના લીલાધર વાધેલા એ આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. લીલાધર વાઘેલા પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ (MP) તરીકે રહી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ ત્રણ વખત ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ રહી ચુક્યા છે. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા  ખાતે અંતિમશ્વાસ લીધા હતા. લીલાધર વાઘેલા રાજકારણીની સાથે સાથે ઠાકોર સમાજના મોટા ગજાના નેતા હતા.

મળતી માહિતી પ્રમાણે લીલાધર વાઘેલા છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા. લીલાધર વાઘેલાના અંતિમ સંસ્કાર પાટણના તેમના વતન એવા પીમ્પળ ગામ ખાતે કરવામાં આવશે. આ માટે તેમના પાર્થીવ દેહને તેમના ગામ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

લીલાધર વાઘેલા પ્રોફાઇલ:

લીલાધર વાઘેલાનો જન્મ 17મી ફેબ્રુઆરી 1935ના રોજ મહેસાણાના ચાણસ્મા તાલુકાના પીમ્પળ ગામ ખાતે થયો હતો. તેમણે બી.એ., બી.એડનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત ખેડૂત, સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કરી હતી. 2018ના વર્ષમાં ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને એક રખડતી ગાયે તેમના પર હુમલો કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેઓએ પાંચ વર્ષ સુધી શિક્ષક તરીકે પણ નોકરી કરી છે.

રાજકીય કારકિર્દી:

લીલાધર વાઘેલા ભૂતકાળમાં કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. ચીમનભાઈ પટેલ સરકારમાં તેઓ મંત્રી રહી ચુક્યા છે. 2004ના વર્ષમાં તેઓ શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણી લડીને લાઇમલાઇટમાં આવ્યા હતા. 2014માં ભાજપે લીલાધર વાઘેલાને પાટણ બેઠક પરથી ટિકિટ આપી હતી. જેમણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડને 1 લાખ 38 હજાર 719 મતથી હરાવ્યા હતા.

Related Articles

Back to top button