હવે ગુજરાતના આ બે મહાનગરોમાં જ નાઇટ કર્ફ્યૂ રહેશે, લગ્ન માટે નહી કરાવું પડે રજિસ્ટ્રેશન
ગાંધીનગરઃ ગુજરાત સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના છ મહાનગરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લીધો છે. હવે અમદાવાદ અને વડોદરામાં જ રાત્રી કર્ફ્યૂ રહેશે. તે સિવાય હવે લગ્ન માટે પણ રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહી રહે. અમદાવાદ અને વડોદરામાં રાત્રીના 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. હાલ 6 મહાનગર સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટછાટ અને નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. કોરોનાના કેસ ઘટતા રાજ્યમાં નિયંત્રણોમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. સુરત, રાજકોટ, ભાવનગરમાં નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખુલ્લી જગ્યામાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો 75 ટકા ક્ષમતા સાથે યોજી શકાશે. તે સિવાય બંધ જગ્યામાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો 50 ટકા ક્ષમતા સાથે યોજી શકાશે.
રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં. ઉપરાંત એસટી અને ખાનગી બસો 100 ટકા ક્ષમતા સાથે દોડશે. નવી ગાઇડલાઇન 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.