સુરત: પિતાના આવ્યા બાદ નીકળી વ્હાલી દીકરી ગ્રીષ્માની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા
સુરત: રાજ્યભરમાં ચકચાર મચાવનાર સુરતની ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડમાં આજે દીકરીના અંતિમ સંસ્કરાર (last ritual) થઇ રહ્યા છે. શહેરના કામરેજના પાસોદરા ખાતે 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પાગલ યુવાન ફેનિલ પંકજ ગોયાણીએ જાહેરમાં યુવતીનું ગળું કાપી ઘાતકી હત્યા કરી નાંખી હતી.
મૃતક દીકરી ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા ન હતા. આ સાથે ગઇકાલ સુધી માતાને પણ દીકરીની વિદાય અંગે કોઇ જાણ ન હતી. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળીને માતા અને પિતાને ઘણો જ આઘાત લાગ્યો છે. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યાં હતાં. પરિવાર અને આસપાસથી આવેલા તમામ લોકોમાં માતમ છવાઇ ગયો હતો. અંતિમ યાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઢવી દેવામાં આવ્યો છે. આ સાથે સોસાયટીને પણ કોર્ડન કરવામાં આવી હતી.