વડોદરાના ઉદ્યોગ સાહસિકની ઈકોફ્રેન્ડલી સ્પૂનની 32 દેશોમાં છે બોલબાલા, ચાર લાખમાં શરૂ કર્યું હતું Startup
અમદાવાદઃ જો હવે તમે જમતી વખતે ભુલથી ચમચી ખાઈ જાઓ જાય તો ડરવાની જરૂર નથી કે હોસ્પિટલ પણ જવાની જરૂર નથી. કારણકે વડોદરાના યુવા ઉદ્યોગ સાહસિક કૃવિલ પટેલે પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ ન થાય તે માટે ખાઈ શકાય તેવી ચમચી, ફોર્ક અને સ્ટ્રો સહિતની વસ્તુઓનું ઉત્પાદન શરૂ કર્યુ છે.
27 વર્ષીય સંશોધક કૃવિલ પટેલે મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ જ્યારે ભણતા હતા ત્યારથી તેમને કંઈક અલગ કરવાની ઈચ્છા હતી અને એટલેજ તેમણે 2014માં 4 લાખ રૂપિયાની મુડી સાથે ખાઈ શકાય તેવી ચમચી બનાવવાનું સ્ટાર્ટ અપ “ત્રિશુલા ઈન્ડિયા” નામથી શરૂ કર્યુ હતું. કૃવિલ પટેલે પોતાની પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવા સોશિયલ મીડિયાની મદદ લીધી જેના થકી તેમને દેશ અને વિદેશથી પણ સારો પ્રતિભાવ મળ્યો હતો.
તેમને મળી રહેલા ઓડર્સને પહોંચી વળવા માટે તેમણે સરકારની સટેન્ડ અપ ઈન્ડિયા સ્કીમનો લાભ લીધો અને હાલ તેઓ “ઈટ મી” નામે તેમની પ્રોડક્ટને દુનિયાભરમાં નિકાસ કરી રહ્યા છે. અત્યારે 2022માં અંદાજે 32 દેશોમાં આ ચમચી એક્સપોર્ટ થાય છે. જેમાં USA અને UK જેવા દેશોનો પણ સમાવેશ થાય છે આજે તેમનું વાર્ષિક ટર્નઓવર 5 કરોડ સુધી પહોંચ્યુ છે સાથે 70 લોકોને રોજગારી પણ મળી છે.
આ કંપનીને અમેરિકાના પ્રખ્યાત શો શાર્ક ટેન્ક અમેરિકાની 13મી સિઝનમાં એન્ટ્રી મળી હતી. જેમાં તેમને 5 લાખ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ પણ મળ્યું હતું. આ ચમચી સંપૂર્ણ રીતે એડિબલ છે જમી લીધા પછી તમે તેને ખાઈ પણ શકો છે અથવા કચરામાં ફેંકી પણ દેશો તો કીડી, મકોડા જેવા જીવ તેને ખાઈ જશે આમ આ ચમચી સંપૂર્ણ રીતે ઈકો ફ્રેન્ડલી છે.