गुजरात

સુરત : ગુજરાતમાં દારૂબંધીની વાતો પોકળ, 550 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

સુરત : દિવાળી ટાણે મહિધરપુરા પોલીસ દ્વારા મસમોટા વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ કરી 28 લાખથી વધુની કિંમતના દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડયા છે. જ્યારે 16 જેટલા લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ કેમિકલના ડ્રમની આડમાં છૂટક દારૂની બોટલો ભરી અન્ય રાજયથી સુરત (Surat)લઈ આવતા હતા અને બાદમાં સુરત ખાતે બોક્સ પેકિંગ કરી શહેરમાં જુદા જુદા બુટલેગરોને સપ્લાય કરતા હતા. પોલીસે 30 જેટલી બ્રાન્ડેડ દારૂની સાત હજારથી વધુ બોટલો કબ્જે લઈ વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

દિવાળીના સમય દરમ્યાન પ્રોહીબિશનની પ્રવૃત્તિઓને ડામવા મહિધરપુરા પોલીસનો સ્ટાફ રવિવારની સમી સાંજે પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ હતો. જે દરમ્યાન મળેલ બાતમીના આધારે વસ્તાદેવડી રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીલ વિસ્તારના એક ગોડાઉનમાં છાપો મારતા કેમિકલના ડ્રમની આડમાં સંતાડવામાં આવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

જ્યાંથી બોક્સમાં પેકિંગ જુદી જુદી 30 જેટલી બ્રાન્ડેડ કુલ 7 હજારથી વધુ દારૂની બોટલો મળી આવી હતી. જ્યાં સ્થળ પરથી જીગ્નેશ ડાભેલિયા સહિત સંજય કર્ણીક નામના બુટલેગરોની ધરપકડ કરવામાં આવી હતી.

સંજય નામનો શખ્સ અગાઉ પણ શહેર પોલીસના હાથે બે અલગ અલગ ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. મહિધરપુરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ સૌથી મોટા વિદેશી દારૂના આ નેટવર્કમાં કુલ 16 જેટલા લોકોના નામો બહાર આવ્યા છે. જે લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. દારૂના મસમોટા નેટવર્કમાં શહેરના મોટા માથાઓના નામો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરોપીઓ દ્વારા ગોવાથી આ દારૂનો મોટો જથ્થો લાવવામાં આવ્યો હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે. જ્યાં કેમિકલ ડ્રમની આડમાં શીલપેક કરી દારૂની મસમોટી હેરાફેરી કરી સુરતમાં સપ્લાય કરાતો હોવાનું જાણવા મળે છે. જો કે મોટી માત્રામાં ઝડપાયેલા વિદેશી દારૂના આ જથ્થા પરથી ગુજરાતમાં દારૂબંધીના કાયદાના પણ ધજાગરા ઉડયા છે. બીજી તરફ મહિધરપુરા પોલીસની સરાહનીય કામગીરી પણ હાલ સામે આવી છે.

Related Articles

Back to top button