2008 Ahmedabad serial blasts: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 49 દોષિતોને કોર્ટમાં વર્ચ્યુઅલી રજૂ કરાયા, આજે થઇ શકે છે સજાનું એલાન
યુ.એ.પી.એ. (અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ એકસાથે આટલા આરોપીઓને દોષિત ઠેરવાયા હોય તેવો આ દેશનો સૌપ્રથમ કેસ છે.સુરતમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં પણ આ જ આરોપીઓની સંડોવણી હોવાથી કેસની સુનાવણી એકસાથે કરવામાં આવી હતી.
દોષિતોને ઓછામાં ઓછી જન્મટીપ અને વધુમાં વધુ ફાંસીની જોગવાઇ
આપને જણાવીએ કે, આ કેસમાં પહેલા 78 આરોપીઓ ઝડપાયા હતા પરંતુ એક આરોપી તાજનો સાક્ષી બનતા તેને છોડવામાં આવ્યો હતો. આ કેસના આરોપીઓ જે કાયદાઓ અને કલમો હેઠળ દોષિત સાબિત થયા છે. જેમાં ઓછામાં ઓછી જન્મટીપ અને વધુમાં વધુ ફાંસીની જોગવાઇ છે. મંગળવારે સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલ દ્વારા 11:16 કલાકે ચુકાદો સંભળાવવાની શરૂઆત કરી હતી અને 11:32એ સુનાવણી પૂર્ણ થઇ હતી. જેમાં 49 આરોપીઓને આઇ.પી.સી. 302 (હત્યા), 307(હત્યાનો પ્રયાસ), 326 (ગંભીર ઇજા પહોંચાડવી), 427 (નુકસાન પહોંચાડવું), 121(એ) (રાષ્ટ્રદ્રોહ), 124(એ) (રાષ્ટ્રદ્રોહ), 153 (એ) કોમી વૈમનસ્ય ફેલાવી શાંતિ ડહોળવી) વગેરે કલમો લગાવી છે.
સૂત્રધાર યાસીન ભટકલ પરનો કેસ હજી ઓપન નથી થયો
આ કેસનો સૂત્રધાર યાસીન ભટકલ હાલ દિલ્હીની જેલમાં અન્ય કેસમાં બંધ છે અને અન્ય સૂત્રધાર જુહાપુરાનો તૌફીક અબ્દુલ સુભાન કેરળના કોચિનની જેલમાં બંધ છે અને તેમની સામે હજુ કેસ ખુલ્યો નથી. આ બન્ને સામે કેસ ઓપન કરવા અને કાર્યવાહી શરૂ કરવા તપાસ એજન્સીઓએ સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે. જે અંગે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય આપશે. ઉપરાંત આ કેસમાં કુલ 15 આરોપીઓ વોન્ટેડ હતા. જેમાં બે આરોપીઓના મોક થયા છે અને હવે 13 આરોપીઓ વોન્ટેડ છે.
આ કેસના આરોપીઓ વિવિધ રાજ્યની જેલમાં બંધ
બ્લાસ્ટ કેસના કુલ આરોપીઓ પૈકી 50 આરોપીઓ સાબરમતી જેલમાં બંધ છે. જ્યારે અન્ય 27 આરોપીઓ કર્ણાટક, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની વિવિધ 9 જેલમાં બંધ છે. આ આરોપીઓ અન્ય રાજ્યોની જેલમાં અન્ય કેસોમાં દોષિત ઠરી સજા ભોગવી રહ્યા છે અથવા તેમના પર ટ્રાયલ ચાલી રહી હોવાથી ત્યાંની જેલમાં બંધ છે.