કડીની શિક્ષિકાએ આપઘાતના પ્રયાસ પહેલા ભાઇ સાથે વાત કરીને કહ્યુ હતુ, ‘સ્ટાફનો ત્રાસ સહન નથી થતો, છોકરાઓને સાચવજે’
મહેસાણા: કડી તાલુકાના મેડા આદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ મંગળવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમણે અમદાવાદના ઘાટલોડિયા સ્થિત નિવાસસ્થાને ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. શિક્ષિકા આપઘાતનો પ્રયાસ કરતા પહેલા સુસાઈડ નોટમાં 12 લોકોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં 11 શિક્ષકો અને કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માનસિક ત્રાસ આપતાં હોવાની વાત લખવામાં આવી છે. જોકે, આ કેસમાં આપઘાત પહેલા શિક્ષિકાએ પોતાના ભાઇને ફોન કર્યો હતો. જેમાં તેમણે આખી આપવિતી વર્ણવી હતી. જેનો ઓડિયો સામે આવ્યો છે. હાલ આ અંગે ઘાટલોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
4 પાનની સુસાઈડ નોટ લખી
કડી તાલુકાના ચંદનપુરા (થોળ) ગામનાં જયશ્રીબેન પોપટભાઈ પટેલ મેડા આદરજ પ્રાથમિક શાળામાં વર્ષ 2011થી શિક્ષિકા તરીકે નોકરી કરે છે. જયશ્રીબેન પટેલ પોતાની જ શાળાના સ્ટાફના અન્ય શિક્ષકોના ટોર્ચરથી એટલા કંટાળી ગયા હતા કે, તેમને જીવન ટૂંકાવી લેવાનું વિચારીને ઘેનની 20 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જયશ્રીબેને ઘાટલોડિયા સ્થિત નિવાસ સ્થાને 4 પાનની સુસાઈડ નોટ લખી ઘેનની ગોળીઓ ખાધી હતી. સ્યુસાઈડ નોટમાં જયશ્રીબેને કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પુષ્પાબેન ભીલ અને મેડા આદરજ પ્રાથમિક શાળાના 2 શિક્ષક અને 9 શિક્ષિકા મળી 11 શિક્ષકો સામે માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કર્યો છે.