નવસારીઃ 28 વર્ષીય નર્સનો આપઘાત, સિવિલના ઉચ્ચ અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ
નવસારી: નવસારીમાં એક 28 વર્ષની નર્સે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. નર્સે માનસિક આઘાતમાં આવીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસને નર્સના ઘરેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. સુસાઇડ નોટમાં આપઘાત પાછળ સિવિલ હૉસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ જવાબદાર હોવાનો ઉલ્લેખ હોવાનો પરિવારના લોકોએ દાવો કર્યો છે. જોકે, આ મામલે પોલીસે કોઈ અધિકારિક માહિતી આપી નથી. વિજલપોર પોલીસ યુવતીના ઘરેથી સુસાઇડ નોટ કબજે કરી લીધી છે. આ મામલે યોગ્ય તપાસ કરીને ન્યાય આપવમાં આવે તેવી માંગણી નર્સના પરિવારજનોએ કરી છે.
મળતી માહિતી પ્રમાણે નવસારીમાં 28 વર્ષીય નર્સ મેઘાબેન આચાર્યએ આજે વહેલી સવારે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. નર્સે ડિપ્રેશનમાં આવીને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. આપઘાત પહેલા મેઘાએ એક સુસાઇડ નોટ પણ લખી છે. આ સુસાઇડ નોટમાં નવસારી સિવિલના એક તબીબ અને એક મેટર્નનું નામ લખવામાં આવ્યું હોવાનો દાવો પરિવારના લોકોએ કર્યો છે. પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે.