શરદી-ખાંસીમાં તમે પણ ડોક્ટરને પૂછ્યા વગર જ Azithromycin ગળી લો છો? તો જાણો નિષ્ણાતની ચેતવણી
અમદાવાદ: શહેર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં હાલ ઉમેરો થઈ રહ્યો છે. જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જોકે, આગામી દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે નજીવો તાવ કે શરદી ખાંસી (cold and cough) હોય તો પણ ઝડપથી સાજા થઈ જવાની લ્હાયમાં જાતે દવા લેવી નહિ. ડોકટરની સલાહ વગર લેવાતી દવાઓથી કિડની અને લીવરની તકલીફ થઈ શકે છે. આ અંગે નિષ્ણાતો શું કહી રહ્યા છે તે જોઇએ.
કોરોનાના દિન પ્રતિદિન કેસમાં ઉમેરો થઈ રહ્યો છે. એજીથ્રો માઇસીન, લિવો સેત્રરીજિન જેવી દવાઓની માંગમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. જોકે, લોકો સામાન્ય શરદી ખાંસી અને તાવ જેવા લક્ષણો જણાતા ઘણીવાર લોકો જાતે ડોક્ટર બની દવાઓ દવાની દુકાનેથી લઈ લેતા હોય છે. પરંતુ આવી દવાઓનું સેવન કરવાથી મુશ્કેલીઓ વધી શકે છે. ડૉક્ટર્સની સલાહ વગર દવા લેવાથી લીવર અને કિડની પર અસર થઈ શકે છે.
કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલએ જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. ઓમિક્રોનમાં મૃત્યુ દર ઓછો છે એટલે લોકો ઘરે રહીને જ ટ્રીટમેન્ટ લઈ સાજા થઈ રહ્યા છે. જે એક પોઝિટિવ બાબત છે. હાલમાં એજીથ્રો માઇસીન, લિવો સેત્રરીજિન, ડોલો, લીમસી જેવી દવાઓની માંગમાં 25થી 30 ટકાનો વધારો થયો છે.