કચ્છ જિલ્લા ૭૧મો વન મહોત્સવ ગ્લોબલ વોર્મિગને પડકારવા સૌએ વૃક્ષો વાવી તેનું જતન કરવું -શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
Anil Makwana
નલિયા
રીપોટર – રમેશભાઈ ભાનુશાલી
કોરોના પ્રતિકારક વર્ધક વૃક્ષરથનું પ્રયાણ અને ૧૦૦૦ વૃક્ષારોપણ વનીકરણ યોજના અને નિર્ધુમચુલા સહાય યોજના લાભાર્થીઓને ચેક-સાધન વિતરણ
રાજયના સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા ૭૧મો જિલ્લા વન મહોત્સવ અબડાસા તાલુકાના રામપર (અબડા) ખાતે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. વીર અબડા અડભંગ દાદાની રામપર અબડાવાળી ખાતે ૧૦૦૦ જેટલા વૃક્ષારોપણના પ્રારંભ પ્રસંગે મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિગને પડકારવા સૌએ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઇએ. દરેક વૃક્ષ અને છોડનું આગવું મહત્વ છે. પ્રદુષણને અટકાવવા અને સ્વાસ્થ્યવર્ધક રોગ પ્રતિકારક શકિત વધારવા પ્રારંભ કરેલા હરિયાળા ગુજરાતને સૌએ સાથે મળીને સાર્થક કરવાનું છે. રાજયના વિકાસ કામો સાથે પર્યાવરણનું જતન અને જાળવણીની જવાબદારી નિભાવીએ.
સરકારે જનમાનસમાં જનભાગીદારીના બીજ રોપી વિકાસ અને સમૃધ્ધિની કેડી કંડારી છે. દેશના સાંસ્કૃતિક અને સમૃધ્ધ વારસાને આપણા પૂર્વજોએ અપ્રતિમ યોગદાનથી જાળવ્યો છે તેને વધુ દીપાવીએ રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદષ્ટિથી જનસામાન્ય વચ્ચે વિકાસના કામો આરંભી છેવાડાના માનવીને વિકાસના યોગદાનમાં જોડયા છે. વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે પર્યાવરણની પ્રદુષણમુકિત પણ જોવા મળી છે. બેન દિકરીઓના સ્વાસ્થ્યની ચિંતા કરી પ્રારંભ થયેલી નિર્ધુમચુલા યોજના હેઠળ સરકારે પ્રદુષણમુકત પર્યાવરણનું પણ નિર્માણ કર્યુ છે. આ તકે મંત્રીશ્રીએ વન મહોત્સવની ઉજવણીના આયોજન તેમજ રામમંદિર શિલાન્યાસ પ્રસંગની કચ્છ જિલ્લામાં થયેલી ઉત્સાહભેર- ઉજવણીને બિરદાવી હતી.
હિન્દુ-મુસ્લિમની એકતા પ્રતિક સમા રામપર અબડાવાળીમાં જિલ્લાનો ૭૧મો વન મહોત્સવ ઉજવવા બદલ પણ સમગ્ર તંત્રને મંત્રીશ્રીએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ, વીર અબડા દાદાની ભૂમિ પર રૂદ્રાણી ડેમ મધ્યે આવેલ ‘‘રક્ષક વન’’ પર્યાવરણનું જતન થશે એમ કહયું હતું. રાજય સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભુજને રક્ષક વનની ભેટ બાદ હરિયાળા કચ્છના પ્રયાસમાં જન જન જોડાશે એમ પણ કહયું હતું. કુનરીયા અને મોટા આગરિયા જેવી ગ્રામ પંચાયતના સરાહનીય રાહચીંધનારા વૃક્ષારોપણને પણ આ પ્રસંગે તેમણે યાદ કર્યુ હતું. સામાજિક વનીકરણની વિનામૂલ્યે રોપા વિતરણથી જન જન લાભાન્વિત થઇ કુદરતી ત્રિવેણી સંગમ ધરાવતા કચ્છને હરિયાળો બનાવાશે એમ પણ કહયું હતું.સાંસદશ્રીએ કચ્છના ખેડૂતોની ડ્રેગનફ્રુટને કમલમ ફ્રુટ નામની લાગણીને પણ આ તકે રજુ કરી હતી નાયબ વન સંરક્ષકશ્રી એસ.એમ.મુજાવરે સ્વાગત પ્રવચનમાં જિલ્લામાં ચાલુ વર્ષ દરમ્યાન વિવિધ જાતના ૩૧.૩૫ લાખ રોપાઓ જિલ્લાના ૬૧ રોપા ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું. જેમાં ખાતાકીય વન મહોત્સવ નર્સરી અને મનરેગા નર્સરીમાં ૨૦.૬૫ લાખ, ડિસેન્ટ્રલાઇઝ સ્કીમ પ્રોજેકટ અને ખાસ અંગભૂત નર્સરીમાં ૭ લાખ રોપાઓ, ખાસ અંગભૂત એસએચજી ગ્રુપના ૪ લાખ રોપાઓ જન ઉપયોગ માટે ઉછેરાયા છે.આ પ્રસંગે મંત્રીશ્રીએ અને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ૬ લાભાર્થીઓને રૂ.૧ લાખ ૧૩ હજારના ડિસેન્ટ્રલાઇઝ સ્કીમ પ્રોજેકટ હેઠળ ચેક વિતરણ કરાયા હતા. તેમજ વૃક્ષ ખેતી યોજના હેઠળ બે લાભાર્થીઓને રૂ.૪૮ હજારના ચેક અર્પણ કરાયા હતા. તેમજ બાર લાભાર્થીઓને નિર્ધૂમચુલા સહાય યોજના હેઠળ નિર્ધૂમચૂલા આપવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ આ પ્રસંગે કોરોના પ્રતિકારકવર્ધક વૃક્ષ રથનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ વૃક્ષારોપણ કરી ૧૦૦૦ વૃક્ષ વનનો પ્રારંભ પણ કરાવ્યો હતો. આ પ્રસંગે સર્વશ્રી ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા પૂર્વ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, અગ્રણીશ્રી કે.સી.પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણા ડી.કે., અબડાસા પ્રાંત અધિકારીશ્રી ડી.એ.ઝાલા, મુખ્ય વન સંરક્ષક અને વન વર્તુળ શ્રીમતી અનિતાબેન કર્ણ, મદદનીશ વન સંરક્ષક એ.એન.ઘાસુરા, બી.એમ.પટેલ, તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર અને ડો.પ્રજાપતિ, ચેરમેનશ્રી મહેસોજી સોઢા, અબડાસા તા.પં.પ્રમુખ અજબાઇ ગોરસીયા, ઉપપ્રમુખ હકુમતસિંહ જાડેજા, તેમજ વીર અબડા અડભંગ દાદાના ૨૬મી પેઢીના વારસદાર લાખજી પાંચુભા અબડા, સરપંચ રામપર અબડા તેમજ ગ્રામજનો અને સામાજિક અંતર સાથે ઉપસ્થિત રહયા હતા.