गुजरात

Covid 19ના ટેસ્ટ કરવામાં તમિલનાડુ મોખરે, ગુજરાત સાતમા નંબરે

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર વધતા સંક્રમિતોની સંખ્યામાં પણ મસમોટો વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર પર આક્ષેપ લાગી રહ્યો છે કે, કોરોનાના કેસ ઓછા આવે એટલે તે કોરોનાના ટેસ્ટ જ ઓછા કરી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં પ્રતિ મિલિયન 9414.65 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યની 31 લેબમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે જેમાંથી 19 લેબ સરકારી અને 12 લેબ ખાનગી છે. જોકે, કોરોનાના સૌથી વધુ કેસ કરનારા રાજ્યોમાં ગુજરાત સાતમે નંબરે છે. જ્યારે તમિલનાડુમાં સૌથી વધુ 4,66,550 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

નોંધનીય છે કે, રાજ્યમાં 28મેની સાંજથી 29મેની સાંજ સુધીમાં 24 કલાકમાં નવા 372 કેસો નોંધાયા છે અને 20ના મૃત્યુ થયા છે. જ્યારે 608 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 15,944 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 980 થયો છે જ્યારે 8,609 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

દેશમાં કુલ 34.83 લાખ ટેસ્ટ થયા

કોરોનાના સૌથી વધુ ટેસ્ટ કરાવનારા રાજ્યોમાં સૌથી પહેલા નંબરે તામિલનાડુ આવે છે. જે બાદ મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક પાંચમા સ્થાને અને ઉત્તર પ્રદેશ છઠ્ઠા સ્થાને આવે છે. તામિલનાડુ-મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં હાલ ગુજરાત કરતાં બમણાથી વધુ ટેસ્ટ થઇ ચૂક્યા છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં એટલે કે 20 મેથી કુલ 46807 ટેસ્ટ થયેલા છે. જેમાં 22 મેના સૌથી વધુ 6410 અને 26 મેના સૌથી ઓછા 2952 ટેસ્ટનો સમાવેશ થાય છે. જેની સરખામણીમાં છેલ્લા 10 દિવસમાં કુલ કેસ 3405 નોંધાયા છે. નોંધનીય છે કે, શુક્રવારે રાત સુધીમાં સમગ્ર દેશમાં કુલ 34.83 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

ટેસ્ટ કરવામાં કયા રાજ્ય ગુજરાતથી આગળ

મળતી માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં તામિલનાડુમાં 466550 ટેસ્ટ, મહારાષ્ટ્રમાં 434565 ટેસ્ટ, રાજસ્થાનમાં 365656, આંધ્ર પ્રદેશમાં 353874, કર્ણાટકમાં 264489, ઉત્તર પ્રદેશમાં 256257, ગુજરાતમાં 201481, દિલ્હીમાં 191977 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાત કૉંગ્રેસનો આક્ષેપ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારી સામેની આ લડાઈમાં ટેસ્ટીંગ અને સક્રમિતોની માહિતી એ બંને મહત્વનાં પરિબળ છે ત્યારે ભાજપ સરકાર ગુજરાતનાં નાગરિકનો માહિતીનો અધિકાર જે લોકતાંત્રિક અધિકાર પણ છે તે કેમ છીનવી રહી છે? ગુજરાતમાં રોગચાળાને લગતી માહિતી અંગેની આટલું અંધારપટ શું કામ ? શું ભાજપ સરકાર કોરોના મહામારી સામે લડવામાં સદંતર નિષ્ફળતા નીવડી છે ? ગુજરાતની ભાજપ સરકારે “કોરોના મહામારીમાં આંકડાઓ છુપાવવા માટે પ્રયત્ન કરવા કરતાં પ્રામાણિક હોવું જરૂરી છે” મુખ્યમંત્રીએ જવાબદારી સ્વીકારી સાચી માહિતી લોકો સમક્ષ પ્રમાણિકતાથી મૂકાવી જોઈએ’.

Related Articles

Back to top button