યુવકે પત્નીનું માથું ધડથી અલગ કરી નીપજાવી હત્યા, ચાર મહિના પહેલા જ થયા હતા લગ્ન
અમદાવાદ: સાણંદમાં પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. હજુ દંપતી ચાર દિવસ પહેલા જ સાણંદમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યું હતું, ત્યારે કોઈ કારણસર પતિ પત્નીની ઘાતકી હત્યા કરીને ફરાર થઈ ગયો છે. પતિ પત્નીનીની તીક્ષ્ણ હથિયારથી માથું ધડથી અલગ કરી ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયો છે. મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.
કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને મૃતક હંસાબેનના લગ્ન ચાર મહિના પહેલા થયા હતા. આ પહેલા સાણંદના કપૂર વાસ ખાતે રહેતા હતા. મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાનો કોલ આવતાં પોલીસ આવી પહોંચી હતી અને ઘરનું તાળું તોડીને ચેક કરતાં પથારીમાં ધડથી માથું અલગ કરેલી પરણીતાની લાશ લોહીલૂહાણ હાલતમાં મળી આવી હતી. પોલીસે પરણીતાના પતિનો સંપર્ક કર્યો તો મોબાઈલ બંધ આવી રહ્યો હતો. જેથી પતિ નાસી ગયાની શંકા ઉપજી રહી છે. બીજી તરફ મૃતકના ભાઈએ સાણંદ પોલીસમાં પતિ હિતેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ચાર મહિના પહેલા જ લગ્ન કરાનાર દંપતી વચ્ચે ઘર કંકાસની શંકા છે. તેમ જ આ કારણથી હત્યા થઈ હોવાની ચર્ચા છે. જોકે, પતિની ધરપકડ પછી હત્યાનું સાચું કારણ સામે આવી શકે છે. હંસાબેન મૂળ કચ્છના રાપરના અને તેમનો પતિ હિતેશ ગોહિલ રાપર તાલુકાના જ આડેસરનો રહેવાસી છે. હિતેશ સાણંદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે.