On Demand Exam: ગુજરાત યુનિવર્સિટીના PGના વિદ્યાર્થીઓ હવે અડધી રાતે પણ આપી શકશે પરીક્ષા, જાણો મહત્ત્વનો નિર્ણય
અમદાવાદ: રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી દ્વારા બે મહત્વપુર્ણ નિર્ણય લેવામા આવ્યા છે. જેમાં સૌથી મોટો નિર્ણય ગણી શકાય એમ વિદ્યાર્થી ઓન ડિમાન્ડ એક્ઝામ આપી શકશે સાથે સાથે જો વિદ્યાર્થી પોતાના પરિણામથી સંતોષ ન હોય તો તેવા વિદ્યાર્થી માર્કશીટ સબમીટ કરીને ફરિવાર પરિક્ષા આપી શકશે. નવી શિક્ષણ નિતી અંતર્ગત વિવિધ નિર્ણયો યુનિવર્સિટી દ્વારા કરવામા આવી રહ્યા છે. જે અંતર્ગત યુનિવર્સિટીએ હવે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં ઓન ડિમાન્ડ પરિક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. કોર્સ પુર્ણ કર્યા બાદ વિદ્યાર્થી ઇચ્છે ત્યારે અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે.
પીજીના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરિક્ષાનો વિકલ્પ અપાશે
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, સૌપ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીના પીજીના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરિક્ષાનો વિકલ્પ આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જેમાં વિદ્યાર્થી પોતાના ઇચ્છીત સમયે અને સ્થાને ઓનલાઇન પરિક્ષા આપી શકશે. આ પરિક્ષામા વિદ્યાર્થીને બે તક અપાશે. જેમાં વધુ માર્કસ આવશે તેવા ગુણને આખરી ગણવામા આવશે. આગામી વર્ષે પહેલાથી યુનિવર્સિટી દ્વારા વિષયવાર એક પ્રશ્ન બેન્ક તૈયાર કરાશે. જે વિદ્યાર્થીઓને યુનીવર્સિટીની વેબસાઈટ પર આપવામાં આવશે. જેમાંથી પ્રશ્ન પૂછી બેથી ત્રણ વિકલ્પ આપવામાં આવશે જેમાંથી બેસ્ટ ઓફ ટુ અને બેસ્ટ ઓફ થ્રિ પસંદ કરીને વિદ્યાર્થીઓ અનુકૂળ સ્થળે અનુકૂળતાએ પરીક્ષા આપી શકશે.
પરિણામ સુધારવાની તક અપાશે
બીજીતરફ વિદ્યાર્થીઓને તેનુ પરિણામ પણ સુધારવાની તક આપવામા આવશે. ગુજરાત યુનવર્સિટીનો વિદ્યાર્થી વર્ષો પહેલા અભ્યાસ કર્યો હોય અને તેના પરિણામથી તેને સંતોષ ન હોય તો તેવા વિદ્યાર્થી તેની માર્કશીટ અને ડિગ્રી સર્ટીફિકેટ સબમીટ કરાવીને જેતે વિષયની અથવા તો સેમેસ્ટરની પરિક્ષા આપીને પોતાનુ પરિણામ સુધારી શકશે. જે વિદ્યાર્થીઓનુ પરિણામ જે તે સમયે સંજોગોને અનુરૂપ સારૂં ન આવી શક્યુ હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક બની રહેશે.
આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો
મહત્વનું છે કે, હાલ તો ગુજરાત યુનિવર્સિટીના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. હાલ PG ના વિધાર્થીઓ માટે આ નિર્ણય કરાયો છે. જોકે, UGમાં વિધાર્થી વધારે હોય જે કોર્ષમાં વિદ્યાર્થીઓ ઓછા હોય તેમાં આ નિર્ણય લાગુ કરાશે. જો ઓન ડિમાન્ડ પરિક્ષા સફળ રહેશે તો તે આગામી સમયમાં યુજીના વિદ્યાર્થીઓ માટે પણ લાગુ કરવામા આવશે.