ઓપરેશન સિંદૂર સિવાય કોઈ પણ મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદ નથી, માફી નહીં માંગુ: શશી થરૂરનું મોટું નિવેદન | tharoor dismisses rift talks after skipping congress high command meet

Shashi Tharoor: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂર છેલ્લા કેટલાક સમયથી પક્ષમાં પોતાની સ્થિતિ અને વૈચારિક મતભેદોને લઈ ચર્ચામાં છે. ઘણી વખત મોદી સરકારના વખાણ કરવા બદલ પક્ષ તેમનાથી નારાજ હોવાની અને બેઠકોમાં તેમને નજરઅંદાજ કરવામાં આવતા હોવાની વાતો વહેતી થઈ હતી. આ તમામ અટકળો વચ્ચે હવે શશી થરૂરે મૌન તોડતાં સ્પષ્ટ કરી દીધું છે કે તેમણે ક્યારેય પક્ષની મર્યાદા ઓળંગી નથી.
સંસદમાં પક્ષના વલણ પર સ્પષ્ટતા
કોઝિકોડમાં આયોજિત કેરળ લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન પત્રકારો અને દર્શકો સાથે વાત કરતાં થરૂરે જણાવ્યું હતું કે, ‘મેં સંસદમાં કોઈ પણ તબક્કે કોંગ્રેસના વલણનો વિરોધ કર્યો નથી કે પક્ષની ‘લક્ષ્મણ રેખા’ પણ ઓળંગી નથી.’ તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ પક્ષના શિસ્તબદ્ધ કાર્યકર છે અને સંસદીય કામગીરીમાં હંમેશા કોંગ્રેસની નીતિ મુજબ જ ચાલ્યા છે.
‘ઓપરેશન સિંદૂર’ અને પાકિસ્તાન પર વલણ
પોતાના નિવેદનમાં થરૂરે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતાં સ્વીકાર્યું હતું કે, આ એકમાત્ર એવો મુદ્દો હતો જેના પર તેમણે સૈદ્ધાંતિક રીતે જાહેર અસંમતિ દર્શાવી હતી. પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ‘એક લેખક તરીકે મેં તે સમયે આકરા લશ્કરી પ્રતિસાદની હિમાયત કરી હતી. તે મારું મજબૂત વલણ હતું અને તેના માટે હું કોઈ માફી માંગવા તૈયાર નથી.’ થરૂરે ભારપૂર્વક કહ્યું કે, ભારતનું મુખ્ય લક્ષ્ય વિકાસ હોવું જોઈએ અને દેશે પાકિસ્તાન સાથેના લાંબા સંઘર્ષમાં ફસાવું ન જોઈએ; લશ્કરી કાર્યવાહી માત્ર આતંકવાદી શિબિરો સુધી જ મર્યાદિત હોવી જોઈએ.
રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક પ્રતિષ્ઠા: ભારત હંમેશા પ્રથમ
થરૂરે જવાહરલાલ નેહરુના પ્રખ્યાત વિધાન ‘જો ભારત મરી જશે, તો કોણ જીવશે?’ને યાદ કરતાં કહ્યું કે જ્યારે દેશની સુરક્ષા અને વૈશ્વિક પ્રતિષ્ઠાનો સવાલ હોય ત્યારે ભારત સૌથી પહેલા આવે છે. તેમણે સ્વીકાર્યું કે રાજકીય પક્ષો વચ્ચે વૈચારિક મતભેદો હોઈ શકે છે, પરંતુ રાષ્ટ્રીય હિતના મામલે માત્ર ભારતની જ જીત થવી જોઈએ.
આ પણ વાંચો: જેસલમેર ફરવા જતાં હોવ તો ખિસ્સુ ખાલી કરવું પડશે, તંત્ર વસૂલશે ‘પેસેન્જર ટેક્સ’
બેઠકમાં ગેરહાજરીનું કારણ
આ ઉપરાંત દિલ્હીમાં પક્ષની મહત્ત્વની બેઠકમાં ગેરહાજર રહેવા અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ મૂકતાં થરૂરે કહ્યું કે, ‘મેં આ અંગે પાર્ટી નેતૃત્વને પહેલેથી જ જાણ કરી દીધી હતી. દિલ્હીથી કોઝિકોડના કાર્યક્રમમાં પરત આવવું વ્યવહારિક રીતે શક્ય નહોતું, તેથી હું બેઠકમાં જોડાઈ શક્યો નહતો. તેમજ પક્ષના આંતરિક મામલે હું જાહેર પ્લેટફોર્મ પર ચર્ચા કરવા માંગતો નથી, પરંતુ મારું વલણ હંમેશા રાષ્ટ્રહિતમાં રહ્યું છે.’



