અમદાવાદ: ‘તું મારી સાથે સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખીશ,’ વિધવાને આધેડની ધમકી
અમદાવાદ: ક્યારેક કોઈની સાથે થયેલી અચાનક મુલાકાત પ્રેમ સંબંધ માં પરિણમતી હોય છે. અને સમય જતા ક્યારેક આ નિર્ણય મુસિબત નોતરે છે. આવો જ એક બનાવ શહેરના સોલા વિસ્તાર માં જોવા મળ્યો છે. વિધવા મહિલા મજૂરીકામ માટે ગઈ અને એક આધેડ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, મહિલાને ત્રણ બાળકોની જવાબદારી હોવાથી આ પુરુષ સાથે સંબંધ કાપી નાખ્યો હતો. જે બાદમાં મહિલાને સંબંધ ના રાખે તો જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
સોલા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે તેના મોબાઇલ પર બળદેવ ઉર્ફે જયંતિ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. અને મહિલાને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જોકે, મહિલાએ તેને આવી વાતો ન કરવા માટે કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો આપીને ધમકી આપી હતી કે, ‘જો તું મારી સાથે સબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ.’
મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મહિલા ત્રણેક વર્ષ પહેલાં નારણપુરા બ્રિજ પાસે મજૂરી કામે ગઈ હતી ત્યારે તેનો સંપર્ક આરોપી સાથે થયો હતો. જે બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, મહિલાને ત્રણ બાળકોની જવાબદારી હોવાથી તેણે આરોપી સાથે બે વર્ષ પહેલા જ સંબંધ કાપી નાખ્યો હતો અને આરોપી સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. છતાં પણ આરોપી વારંવાર ફોન કરીને ધમકી આપતો હતો. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન તેણે અનેક વખત ફોન કરીને બીભત્સ ગાળો ભાંડી હતી અને મહિલાની જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.