ગુજરાતમાં ઠંડી વધશે અને કમોસમી વરસાદ દિવાળી બગાડશે? જાણો શું કહે છે આગાહી
અમદાવાદ: હાલ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થયાનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ અરબી સમુદ્રમાં લો પ્રેશર સાથે સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ડેવલપ થઇ છે. જેને કારણે આગામી 5 દિવસ સુધી દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા પ્રમાણે, અમદાવાદમાં 6 નવેમ્બરે કમોસમી વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, ગત રાત્રિએ અમદાવાદમાં 14.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં 10 વર્ષ બાદ ઓક્ટોબરમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન છે.
ઠંડા પવનને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે અમદાવાદમાં ઓકટોબર મહિનામાં 9 વર્ષ બાદ સૌથી નીચું 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યનાં 14 શહેરોનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગ પ્રમાણે, આગામી બેથી ત્રણ દિવસો સુધી શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે.