ગોધરા ટોલરોડ પર ખાડા: રૂ. 225 ટોલટેક્ષ ચુકવે છે વાહન ચાલક પણ સુવિધાનાં નામે મીંડુ
ગોધરાથી ફાગવેલ સુધીનાં ટોલરોડ પર ખાડા પડેલ હોઇ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. રોડનો ટોલટેક્ષ ભરવા છતાં સુવિધાનાં નામે વાહન ચાલકોને કંઇજ મળતું નથી. ગોધરાથી ફાગવેલ સુધીનાં રોડ ઉપર આંતરે આંતરે અનેક ખાડા પડેલા છે જેનાથી વાહન ચાલકોને ખુબ હેરાનગતિ પડી રહી છે. રોડનો ટોલટેક્ષ ભરવા છતાં સુવિધાના નામે ધાંધિયા જોવા મળી રહ્યા છે.
આ બાબતે અનેક રજૂઆતો છતાં પરિસ્થિતિ જૈસે થેની છે. ખાસ કરીને બાલાસિનોરથી વાવડી ટોલ સુધીના માર્ગમાં ખુબ ઊંડા ખાડા પડ્યા છે જે ફોર વ્હીલ કાર વાહન માટે ખુબ જોખમ કારક છે. અચાનક ખાડામાં ટાયર પડવાથી કારની એલાઈમેંટ ખોરવાઇ જાય છે. તેમજ બીજા અનેક નુકશાન થાય તેવું છે. ટોલટેક્ષ ચૂકવવા છતાં રોડની સારી સુવિધા મળતી નથી.
ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ રસ્તો વાપરવા પેટે વાહન ચાલાક પૈસા ચૂક્વતો હોય છે તેમ છતાં તેને સારી સુવિધા રોડ સંચાલક કે કંપની પુરી પાડતી નથી જે કાયદાની ધારા મુજબ બરાબર ના જ કહેવાય આ માટે ટોલ કંપની વિભાગ સામે કાયદેસરનાં પગલાં ભરવા તેમજ સારી ગુણવત્તા વાળા રોડની યુદ્ધના ધોરણે સુવિધા આપવા બાબતે ગોધરાના અમદાવાદ તરફ નિયમિત મુસાફરી કરતા અને ટોલ ચૂકવતા વાહન ચાલકોએ ગુજરાત સરકારમાં અને જે તે વિભાગમાં ધારદાર રજૂવાત કરવા તજવીજ હાથ ધરી છે.