गुजरात

રાજકોટઃ ગોવર્ધન ચોક નજીક પ્લોટમાં ગેરકાયદે પાકા મકાન બનાવી દીધા, છની ધરપકડ, પોલીસકર્મીની સંડોવણી નીકળી

રાજકોટ: શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત બે જેટલા ગુનાઓ દાખલ થઇ ચુક્યા છે. એક ગુનો રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં દાખલ થયો છે જ્યારે કે, બીજો ગુનો રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થવા પામ્યો છે. ગાંધીગ્રામ પોલીસ મથકમાં દાખલ થયેલ ગુનામાં ખુદ પોલીસકર્મીની જ સંડોવણી ખુલતા તેની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે કે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નવ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે પૈકી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કે મહિલા સહિત અન્ય ત્રણ શખ્સોની શોધખોળ શરૂ છે.

રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોક નજીક કેટલાક શખ્સોએ પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી જમીન પર કાચા તેમજ પાકા મકાન બનાવી નાખ્યા હતા. જે બાબતે માલવિયાનગર પોલીસે ગુનો દાખલ કરી છ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદી અનુપ કુમારે જણાવ્યું હતું કે, વર્ષ 2007માં ગોવર્ધન ચોક નજીક તેને વેચાણ દસ્તાવેજથી 61000 રૂપિયામાં પ્લોટ ખરીદ કર્યો હતો. જે પ્લોટ ઉપર આરોપીઓએ કોઈપણ જાતના નોંધણી કે દસ્તાવેજ કર્યા વગર જમીન પર કાચા પાકા મકાન બનાવી નાખ્યા હતા.

ફરિયાદી દ્વારા ભૂતકાળમાં પોતાના પ્લોટ પર બનાવવામાં આવેલ મકાનો દૂર કરવા બાબતે અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આરોપીઓ તેને ધમકાવીને રવાના કરી દેતા હતા.

અંતે અનુપ કુમારે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ કરતા એ. સી. પી. જે. એસ ગેડમ અને તેમની ટીમ દ્વારા જયરાજ રાઠોડ, પ્રદીપ રાઠોડ, હકા શિયાળ, ભીખા ગમારા, રાજુ ગમારા તેમજ લીંબા ચાવડીયા ની ધરપકડ કરી છે. જ્યારે કે મહિલા સહિત અન્ય ત્રણ શખ્સોની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા જમીન પર ગેરકાયદેસર દબાણ કરવા મામલે અનેક ગુનાઓ દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ તેમને જેલ હવાલે કરવામાં પણ આવ્યા છે.

Related Articles

Back to top button