અમદાવાદઃ સરકારી બસમાં MD ડ્રગ્સ લાવી વેપાર કરતા બે ઝડપાયા, પોલીસને ચકમો આપવા બદલી હતી મોડસઓપરેન્ડ

અમદાવાદઃ અમદાવાદ અને ગ્રામ્યના બારેજા વિસ્તારમાં ડ્રગ્સનો વેપલો ચલાવતા બે પેડલરો ક્રાઈમ બ્રાંચની ગિરફ્તમાં આવી ગયા છે. રાજ્સ્થાનના જોધપુરથી એમડી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લાવી તેનુ વેચાણ કરવામાં આવે તે પહેલા બન્ને આરોપીને ઝડપી ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનના મુખ્ય સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. જોકે આરોપીએ પોલીસને ચકમો આપવા માટે પોતાની મોડસઓપરેન્ડી પણ બદલી હોવાનુ સામે આવ્યુ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાચંની કસ્ટડીમાં આવેલા આ બે આરોપી તારીક શેખ અને તાહિરહુસેશ કુરેશી છે. આ બન્ને આરોપી અમદાવાદના દરિયાપુર અને બારેજા વિસ્તારમાં એમડી ડ્રગ્સન વેપલો ચલાવતા હતા. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે બન્ને આરોપી જોધપુર ખાતે એમડી ડ્રગ્સ લેવા ગયા છે.
જેના આધારે ચિલોડાથી નરોડા રોડ પર વોચ ગોઢવતા પોલીસને બન્ને આરોપી અલગ અલગ બસમાંથી મળી આવ્યા હતા. જેની તપાસ કરતા 25 લાખની કિંતમનુ 250 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યુ છે.
બન્ને ડ્રગ્સ પેડલરોની તપાસ કરતા સામે આવ્યુ કે આરોપીએ રાજસ્થાન જોધપુરના વતની મોહમદ અશરફખાન ફકીર પાસેથી આ ડ્રગ્સ લાવતા હતા. જોકે પોલીસની પકડથી બચવા માટે આરોપી ખાનગી વાહનને બદલે સરકારી ટ્રાન્સપોર્ટ સેવાનો ઉપયોગ કરતા હતા.
અને આબુ રોડથી અલગ અલગ બસમાં બેસી અમદાવાદ આવી રહ્યા હતા. જોકે પોલીસે બાતમીના આધારે બન્નેને ઝડપી પાડ્યા અને એમડી ડ્રગ્સ યુવાનોના લોહીમાં ભળે તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યુ.
25 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી તારીક વિરુધ્ધ અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં વર્ષ 2003માં પોટાની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
સાથે જ નાર્કોટિક્સને લગતા અન્ય કોઈ ગુના કર્યા છે કે કેમ તથા આ ડ્રગ્સ સિન્ડીકેટના અન્ય આરોપી અંગે તપાસ હાથ ધરી છે. આ મામલે acp ક્રાઈમ બ્રાન્ચનું કેહવું છે કે આ ગેંગના અન્ય સભ્યોની ધરપકડ બાદ અન્ય ખુલાસાઓ સામે આવશે.