ફૂટપાથ પર પાઠશાળા ચલાવે છે ડૉ.ઉમાબેન, સ્ટ્રીટલાઈટના અજવાળે ભણીને ગોલ્ડ મેડલ મેળવ્યો, હવે ગરીબ બાળકોને આપે છે શિક્ષણ

બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સરકાર સર્વ શિક્ષા અભિયાન, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ સહિતના વિવિધ અભિયાનો ચલાવે છે. તેમ છતાં પણ શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં બાળકો હજુ પણ શિક્ષણથી વંચિત રહી જાય છે..ઘણા સામાજિક સંગઠનો અને સંસ્થાઓ સરકારના આવા અભિયાનને સહયોગી થવા માટે આગળ આવી પોતાની રીતે શિક્ષણની જ્યોત જગાવતા હોય છે. પણ અહી વાત છે એક એવી મહિલાની કે જે પોતે ગરીબ પરિવારમાંથી આવે છે. સ્ટ્રીટલાઈટમાં ભણીને ગોલ્ડ મેડલ મેળવે છે..અને આજે ગરીબ બાળકોને ફુટપાથ પર શિક્ષણ આપી સેવાની જ્યોત જગાવી છે. વાત છે આણંદમાં રહેતા અને વલ્લભ વિદ્યાનગરમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ.ઉમાબેન શર્માની. તેઓ આણંદમાં ગરીબ અને રસ્તા પર રહેતા બાળકોને પણ ભણાવીને તેમનું જીવન ઉજળું કરી રહી છે..આણંદ અને આસપાસના વિસ્તારમાં ભિક્ષુક વૃત્તિ કરતા બાળકો અને શ્રમજીવી પરિવારના બાળકોને શિક્ષિત કરવા એક અનોખુ અભિયાન ચલાવી રહ્યા છે.