गुजरात

અમદાવાદ : પંદર લાખમાં બે કિલો સોનું, ચકરાવે ચડાવે તેવો છેતરપિંડીનો કિસ્સો

અમદાવાદ : કહેવાય છે કે લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. આ કહેવાય સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના નિકોલ વિસ્તારમાં સામે આવ્યો છે. રૂપિયા 15 લાખમાં બે કિલો સોનું બનાવી આપવાની લાલચ આપીને ચાર ગઠિયાઓએ છેતરપિંડી (Fraud)આચરી છે. જે મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ વિભાગમાં timekeeper તરીકે નોકરી કરતા અમૃતભાઈ દેસાઈ છેલ્લા દસ વર્ષથી એએમટીએસ બસમાં કંડકટર તરીકે નોકરી કરતા સોમાભાઈ ખાંટને ઓળખે છે. ગત વર્ષે સોમાભાઈ ખાંટે અમૃત ભાઈને તેમના ઘરે બોલાવીને કહ્યું હતું કે મારા ગુરુ રણજીતભાઈ વણઝારા સોનુ બનાવે છે જો તમારે સસ્તામાં સોનું બનાવવું હોય તો બનાવી આપશે અને જો તમે વિશ્વાસ ના આવતો હોય તો મારી સાથે ચાલો તમારી મુલાકાત કરાવી આપું.

તેમ કહીને તેઓને પંચમહાલના માતરિયા વ્યાસ ગામ ખાતે લઇ ગયા હતા. જ્યાં સોમા ખાંટે તેમના ગુરુ રણજીત તથા પ્રભાત વણઝારા સાથે મુલાકાત કરાવી હતી. તે સમયે ત્રણેએ ભેગા થઇ એક ભઠ્ઠી સળગાવી હતી અને તેમાંથી એક સોનાનો ટુકડો કાઢી અમૃતભાઇને ચેક કરવા માટે આપ્યો હતો અને કહ્યું હતું કે, ચેક કરાવી લેજો અને પછી અમારા ઉપર વિશ્વાસ બેસે તો તમે અમને 15 લાખ રૂપિયા આપજો અમે બે કિલો સોનુ બનાવી આપીશું.

ત્યાંથી સોનુ લઇ અમૃતભાઇ તથા સોમા ખાંટ અમદાવાદ આવ્યા હતા અને માણેકચોક પહોંચ્યા હતા. જ્યાં સોનુ ચેક કરાવતા તે 24 કેરેટનું પ્યોર ગોલ્ડ હોવાનું સામે આવ્યું હતું. જેથી અમૃતભાઇને તેમની ઉપર વિશ્વાસ થયો હતો અને તેમણે આ અંગે વાત તેમના મોટા ભાઇ રાજુભાઇને કરી હતી. પછી રાજુભાઇ, સોમા ખાંટ અને અમૃતભાઇ ગુરુજી રણજીત વણઝારાના ઘરે 15 લાખ લઇ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે બે કિલો સોના માટે 15 લાખ રૂપિયા માગ્યા હતા. જેથી 15 લાખ રૂપિયા અમૃતભાઇએ તેમને આપ્યા હતા. આ દરમિયાન રણજીત વણઝારાએ એક કાગળમાં પ્રવાહી ભરેલી બે નળીઓ લપેટી આપી હતી અને કહ્યું હતું કે, તમને બે કલાક પછી બોલાવીએ ત્યારે આવી જજો પછી આપણે સોનુ બનાવીશુ.

બે કલાક પછી તેઓ ગયા ત્યારે રણજીતે જણાવ્યું હતું કે, આ નળીઓમાંથી લિકવીડ બહાર નીકળી ગયું છે તેથી હવે સોનુ નહીં બને પરંતુ કાગળમાં રહેલા લિકવીડ અમે ફાર્મસીમાં લઇ જઇએ તો 50 ટકા વળતર મળશે. તેમ કહ્યું હતું. અમૃતભાઇને તેમના પર વિશ્વાસ થયો હતો. પછી રણજીત અને પ્રભાતે અમૃતભાઇને જણાવ્યું હતું કે, અમે ફાર્મસી કંપનીમાં ચેક કરાવતા લિકવીડ નષ્ટ થઇ ગયું છે. બીજા 7.50 લાખ તૈયાર રાખો તો નવું લિકવીડ લાવી તમને સોનું બનાવી આપીશું. જો કે, તે સમયે પૈસાની સગવડ ન હોવાથી તેમણે પૈસા આપ્યા ન હતા. જોકે 12 ઓક્ટોબરના રોજ તેઓ પ્રભાતના ત્યાં ગયા હતા. ત્યારે તેમને બીજા લોકો પણ આ રીતે ભોગ બન્યા હોવાની જાણ થઇ હતી. જેથી આ મામલે અમૃતભાઇએ નિકોલ પોલીસ મથકમાં સોમા ખાંટ, રણજીત વણઝારા, પ્રભાત વણઝારા સહિતના સામે ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Related Articles

Back to top button