AMC વિપક્ષ નેતાનો વિવાદ પહોંચ્યો પ્રભારી ડો રઘુ શર્મા સુધી, નવા વિપક્ષ નેતાની ઝડપી જાહેરાત કરવા આપી ખાતરી

અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકાનું વિપક્ષ નેતા પદ છેલ્લા અનેક મહિનાઓથી ખાલી પડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ જાહેરાત થયા બાદ આજ દિન સુધી એએમસી વિપક્ષ નેતાની પસંદગી ગુજરાત કોંગ્રેસ કરી શકી નથી. કોંગ્રસના આંતરિક જૂથવાદના પગલે આ પદ ખાલી પડ્યું છે. ત્યારે આજે 24 માંથી 15 કાઉન્સિલરો નિયુક્ત પ્રભારી ડો રઘુ શર્મા સમક્ષ રજૂઆત કરવા દોડી ગયા હતા. ત્રણ દિવસના પ્રવાસે રહેલા રઘુ શર્મા અનેક સિનિયર નેતાઓથી લઇ ધારાસભ્ય સાથે મુલાકાત કરી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ મહાનગર પાલિકાના કાઉન્સિલર સાથે બંધ બારણે મુલાકાત કરી હતી. આ મુલાકતમાં માત્ર પ્રભારી અને એએસમીના 24 નાંખી 15 કાઉન્સિલર જ હતા.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્મા સાથે મુલાકાત બાદ ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે રઘુ શર્મા સાથે આ પહેલા મુલાકાત હતી. તમામ કાઉન્સિલરોએ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે અમદાવાદ મહાનગર પાલિકાનું ખાલી પડેલ વિપક્ષ નેતા પદ ઝડપથી નિર્ણય કરવા જણાવ્યું હતું. પ્રભારીએ તમામ કાઉન્સિલરનો ખાતરી આપી હતી કે નવા પ્રમુખ અને નવા વિપક્ષ નેતા એક સપ્તાહમાં જ જાહેર કરાશે. ત્યાર બાદ જે ખાલી નિમણૂક પડી છે તેમાં જવાબદારી આપવામા આવશે,
ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીએ જણાવ્યું હતું કે પ્રભારી સમક્ષ તમામ લોકોએ એક થઇ રજૂઆત કરી છે . તેમજ તમામ કાઉન્સિલરોએ શુભેચ્છા મુલાકાત કરી છે. પ્રભારી રઘુ શર્માએ પોઝિટીવ જવાબ આપ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પરિણામ આવી ગયાને આઠ મહિના પસાર થઇ ગયા છે છતા પણ કોંગ્રેસ એએએમસીના વિપક્ષ નેતા જાહેર કરી શકી નથી. વિપક્ષના નેતા માટે હાલ ચાર નામ ઇકબાલ શેખ , શહેઝાદ ખાન પઠાણ, કમળાબહેન ચાવડા અને રાજશ્રી કેસરી નામ આગળ ચાલી રહ્યા છે. નામ ન જાહેર કરવા પાછળ અમદાવાદ શહેરના ચાર ધારાસભ્ય વચ્ચે આંતરિક ખેંચતાણ પણ મહત્વનો મુદ્દો માનવામાં આવે છે.