વડોદરામાં ગમખ્વાર અકસ્માત, એસ.ટી. બસચાલકે 3ને અડફેટે લીધા, એકનું મોત, બેની હાલત ગંભીર | Horrific accident in Vadodara ST bus driver hits 3 one dies two in critical condition

![]()
Vadodara ST Bus accident : વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ. ટી. બસે એક બાઇક ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા. ગંભીર ઇજા પામેલા ત્રણ વ્યક્તિઓ પૈકી એકનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં રવાના કર્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.
ક્યારે બની ઘટના?
વહેલી સવારે પંડ્યા બ્રિજ પાસેથી પુરપાટ પસાર થઇ રહેલી એસ.ટી. બસે નોકરી-ધંધાર્થે બાઇક ઉપર જઇ રહેલા 25 વર્ષીય યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં બાઇક ચાલક યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ફતેગંજ પોલીસે કેસ નોંધ્યો
આ ઘટના અંગે ફતેગંજ પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે આ અકસ્માતમાં મોતને ભેટેલા અજાણ્યા યુવાનની બાઇકના નંબરના આધારે પરિવારજનો સંપર્ક કરવા કાર્યવાહી હાથ ધરી છે.



