રાજકોટમાં સામૂહિક આપઘાત: માતાએ પોતાના બે વ્હાલસોયા દીકરાઓ સાથે કર્યું અગ્નિસ્નાન, ઘરકંકાસ જવાબદાર!
રાજકોટ: શહેરમાં આજે સવારે સામૂહિક આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના નાકરાવાડી વિસ્તારમાં 28 વર્ષનાં દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના બે માસૂમ પુત્ર સાથે અગ્નિસ્નાન કર્યું છે. આ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી, જ્યાં પ્રાથમિક તપાસમાં ગૃહ કંકાસની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે આખા પંથકમાં ગમગીની છવાઇ છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. 28 વર્ષની માતા દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના 4 અને 7 વર્ષના પુત્રો સાથે અગ્નિસ્નાન કરીને આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ લોકોના આપઘાતમાં ગૃહ કલેશ જવાબદાર છે. આ ઘટના વહેલી સવારે બની હતી. હાલ કુવાડવા પોલીસ તપાસ કરીને વધુ કાર્યવાહી કરી રહી છે.
જોકે, પોલીસ પૂછપરછમાં મહિલાના પતિએ જણાવ્યુ કે, મારે ક્યારેય પત્ની દયાબેન સાથે બોલાચાલી થઈ નથી, પરંતુ મારી માતાને એકવાર બોલવાનું થયું હતુ. નોંધનીય છે કે, આ ઘટનાની જાણ થતાં દયાબેનના પરિવારમાં અને સમગ્ર કુવાડવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.