ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે ડો રઘુ શર્માની નિમણૂંક, રાજસ્થાન સરકારમાં છે આરોગ્ય મંત્રી
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી ડો રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી પ્રથમ નવરાત્રીએ આ જાહેરાત કરી છે. ડો રઘુ શર્માની ગુજરાત સિવાય દાદરાનગર હવેલી, દિવ અને દમણના પણ પ્રભારી તરીકે નિમણૂક કરી છે.
ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે ડો રઘુ શર્મા વર્તમાન રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. અજમેર જિલ્લામાં કેકરી વિધાનસભાથી ધારાસભ્ય છે. પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ખુબ નજીક ગણાય છે. કોંગ્રેસ પ્રભારી તરીકે કામ કરતા રાજીવ સાતવનું કોરોના કારણે નિધન થતા ગુજરાતના પ્રભારીનું પદ ખાલી રહ્યું હતું. ઘણા લાંબા સમયથી અનેક નામ પર અટકળો ચાલી રહી હતી પરંતુ આખરે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના પ્રભારી જાહેરાત કરી નાંખી છે. હવે ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર જોવા મળશે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપ્યા છે છતા હજુ તેનો સ્વીકાર કરાયો નથી. ત્યારે નવા પ્રભારી તરીકે નિમણૂક બાદ ગુજરાત કોંગ્રેસમા ધરખમ ફેરફાર જોવા મળશે. પ્રદેશ પ્રમુખથી લઇ ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર જોવા મળશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કોંગ્રેસ નેતા આર પી સિઘનું નામ પણ ચાલી રહ્યું હતું પરંતુ ડો રઘુ શર્માની પસંદગી દિલ્હી હાઇકમાન્ડ દ્વારા કરાઇ છે. ગુજરાતમાં કોંગ્રસે છેલ્લા 25 વર્ષથી સત્તાનો સ્વાદ ચાખ્યો નથી. 2015ની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજના પરિણામ કોંગ્રેસ તરફ રહ્યા હતા પરંતુ કોંગ્રેસને આ પરિણામો 2017 વિધાનસભા ચૂંટણીમાં જીત તરફ લઇ શકી ન હતી. ત્યાર પછી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી એક પણ બેઠક મેળવી શકી ન હતી. ત્યાર બાદ પેટા ચૂંટણીઓ અને થોડા સમય પહેલા યોજાયેલ ગાંધીનગર મહાનગર પાલિકા તેમજ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.
આગામી વર્ષે યોજાનાર 2022ની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પ્રભારી તરીકે ડો રઘુ શર્માની નિમણૂક કરી છે. ત્યારે જોવાનું રહે છે કે કોંગ્રેસના નવા પ્રભારી ગુજરાત કોંગ્રેસની ટીમને લીડ કરવામાં કેટલા સફળ રહે છે તે તો સમય જ બતાવશે.