લો બોલો! અમદાવાદમાં દોઢ માસમાં માત્ર 10% લોકોએ ડિજિટલ માધ્યમથી ટ્રાફિક દંડ ભર્યો
અમદાવાદ: ટ્રાફિક પોલીસે શરૂ કરેલા પીઓએસ મશીન કે જેનાથી ડિજિટલ દંડ લેવાય છે તે હવે શરૂઆતથી જ મૃતપાય હાલતમાં થઈ ગયો હોય એવા ઘાટ ઘડાયા છે. આ મશીનથી દોઢ માસમાં 1.05 કરોડનો દન્ડ વસુલાયો છે. જેમાંથી ડિજિટલ દંડ માત્ર 10 ટકા લોકોએ જ ભર્યો બાકીના લોકોએ રોકડ રકમમાં દંડ ભર્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ મશીનનો સૌથી વધુ ઉપયોગ કરી પ્રોજેકટને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવશે.
મેમો ડિજિટલ દંડની પાવતી મેળવી 11 લાખ રૂપિયા વસુલ્યા છે
ટ્રાફિક વિભાગ દ્રારા POS મશીનથી 135 જેટલા સ્થળ પર જ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ વસુલાય છે. POS મશીનથી ડિજિટલ દંડ વસુલવા માટે શરૂ કરાયેલ પાયલોટ પ્રોજેક્ટ નિષ્ફળતાના આરે જોવા મળી રહ્યો છે. કારણકે દોઢ મહિનામાં 20 હજાર વાહન ચાલકોને મેમો આપી 1.05 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જેમાંથી 2200 જેટલા મેમો ડિજિટલ દંડની પાવતી મેળવી 11 લાખ રૂપિયા વસુલ્યા છે. એટ્લે કે 90 લાખ દંડ રોકડમા વસુલાયો છે. એટ્લે માત્ર 10 ટકા લોકો જ ડિજિટલ દંડ ભરી રહ્યાં છે.
POS મશીનમાંથી દંડ વસુંલવો ટ્રાફિક વિભાગને ભારે પણ પડી શકે
POS મશીનમાંથી દંડ વસુંલવો ટ્રાફિક વિભાગને ભારે પણ પડી શકે છે. કારણકે, એક મશીનમાં 5 ડિજિટલ ટ્રાન્જેક્શન ( દંડની ડિજિટલ પાવતી) ન નીકળે તો મશીનનું 500 રૂપિયા લેખે એક મહિનાનું તમામ મશીન લેખે કુલ 70 હજાર રૂપિયા ભાડું ચુકવવું પડે તેમ છે. પરંતુ હાલ ડિજિટલ દંડ પાવતી વધુ ન નીકળતી હોવાથી પોલીસ કેટલું ભાડું ચુકવે છે તે આગામી દિવસમાં ખબર પડી શકે છે. ત્યારે હજુ પણ કેટલીક તકલીફો સામે આવી રહી છે તેને દૂર કરવા POS મશીનમાં QR કોડ વિકલ્પનો ઉમેરો કરવામાં આવશે. જેથી કરીને દંડ સરળતાથી ભરી શકાય.