Gulab વાવાઝોડાની સિસ્ટમ ગુજરાત ક્રોસ કરીને અરબ સાગરમાં સક્રિય, આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ગુલાબ વાવાઝોડા ની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઊભી થઈ છે. જોકે, હવે ગુલાબ વાવાઝોડાની સિસ્ટમ નબળી પડી છે. હાલ આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈને અરબી સમુદ્રમાં સક્રિય છે. તેમજ વેલ માર્ક પ્રેશર ઊભું થયું હતું તે હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. જેની અસરને પગલે આજે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. જ્યારે દીવ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. એક સારા સમાચાર એવા પણ મળી રહ્યા કે આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની શક્યતા નહિવત છે.
હાલ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાને પગલે દરિયા કિનારાના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવતીકાલે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ આવતીકાલથી જ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે તેવું હવામાન વિભાગે (Weather Department) જણાવ્યું છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.