ચેતજો! આજે ગુજરાતના આ 6 જિલ્લામાં છે ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદની છે આગાહી

અમદાવાદ: આજનો દિવસ ગુજરાત માટે ભારે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બપોરના 12 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજ સવારથી અમદાવાદમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. આ સાથે સવારના બે કલાકમાં 83 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ ભરૂચમાં બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આજે સવારે બે કલાકમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચમાં 3.5 ઇંચ, અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. ‘ગુલાબ’ વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું. ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં સવારથી પવન ફૂંકાઇ રહ્યો છે
આજે સવારથી જ અમદાવાદમાં સુસવાટાભેર પવન ફૂંકાવાનો શરૂ થયો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. આગામી બે દિવસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે ભારે વરસાદ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે.